MCCના નવા નિયમો લાગુ થશે; રણજી, વિજય હઝારે અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં જોવા મળશે બદલાવ
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) દ્વારા સૂચવાયેલા નવા ક્રિકેટ નિયમોને ભારતની ઘરેલુ ટૂર્નામેન્ટ્સમાં લાગુ કરવામાં આવશે.
BCCIએ નવા નિયમોની વિગતો દેશના તમામ રાજ્ય ક્રિકેટ એસોસિએશનોને મોકલી આપી છે. આગામી ઘરેલુ સિઝનથી રણજી ટ્રોફી, વિજય હઝારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી સહિતની સ્પર્ધાઓમાં આ નિયમો અમલમાં આવશે.
નવા નિયમોથી ફર્સ્ટ ક્લાસ, વનડે અને T20 ફોર્મેટમાં રમવાની શૈલી તેમજ અમ્પાયરિંગના નિર્ણયોમાં ફેરફાર જોવા મળશે.
ક્રિકેટના નવા નિયમોમાં મુખ્ય ફેરફાર:
• છેલ્લી ઓવર પૂર્ણ કરવી પડશે:
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં દિવસની અંતિમ ઓવરમાં વિકેટ પડે તો પણ ઓવર પૂર્ણ કરવી ફરજિયાત રહેશે.
• લેગ સાઈડ વાઈડ માટે નવી માર્ગદર્શિકા:
વનડે અને T20 મેચોમાં લેગ સાઈડ પર આપવામાં આવતા વાઈડ બોલ માટે સુધારેલા નિયમો લાગુ થશે.
• ડેડ બોલના નિયમમાં ફેરફાર:
હવે બોલ વિકેટકીપર કે બોલરના હાથમાં જ હોવો જરૂરી નથી. અમ્પાયર મેદાનની સ્થિતિ પ્રમાણે બોલને ડેડ જાહેર કરી શકશે.
• હેડ કોચને મળશે એન્ટ્રી:
વનડે મેચ દરમિયાન ડ્રિંક્સ બ્રેક સમયે હેડ કોચ ખેલાડીઓ સાથે મેદાનમાં ચર્ચા કરી શકશે.
• શોર્ટ રન પર નવો નિયમ:
બેટ્સમેન જાણીજોઈને શોર્ટ રન લે તો ફિલ્ડિંગ ટીમના કેપ્ટનને આગામી બોલ માટે સ્ટ્રાઈક નક્કી કરવાનો અધિકાર મળશે.
• ફિલ્ડરો માટે કડક નિયમ:
બોલ ફેંકતી વખતે તમામ ફિલ્ડરો બાઉન્ડ્રીની અંદર હોવા જરૂરી રહેશે.
• વિકેટકીપરના નિયમોમાં ફેરફાર:
બોલ ફેંકતી વખતે વિકેટકીપર વિકેટની પાછળ હોવો જરૂરી રહેશે, જોકે રન-અપ દરમિયાન ગ્લોવ્સ આગળ રાખવા બદલ પેનલ્ટી નહીં થાય.
BCCIના આ નિર્ણયથી ભારતીય ઘરેલુ ક્રિકેટ વધુ નિયમબદ્ધ, પારદર્શક અને રોમાંચક બનશે તેવી અપેક્ષા છે.









