શિવસાગરમાં સૌથી વધુ તબાહી, 872 ગામો પાણીમાં ગરકાવ; રાહત માટે 71 કેમ્પ કાર્યરત
ગૌહાટી: આસામમાં સતત વરસી રહેલા ભારે વરસાદે વિનાશ વેર્યો છે. છેલ્લા 24 કલાકમાં પૂર અને સંબંધિત દુર્ઘટનાઓમાં 21 લોકોના મોત થતાં ચાલુ વર્ષે પૂરથી મૃત્યુઆંક 31 પર પહોંચી ગયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરનું સંકટ વધુ ગંભીર બનતાં લાખો લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
અસમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના તાજેતરના અહેવાલ મુજબ, રાજ્યના 16 જિલ્લાઓમાં 5.64 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. રસ્તાઓ, ખેતી અને રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં જનજીવન ખોરવાઈ ગયું છે.
સૌથી વધુ અસર શિવસાગર જિલ્લામાં નોંધાઈ છે, જ્યાં 13 લોકોના મોત થયા છે અને 3.59 લાખથી વધુ લોકો પૂરથી ઘેરાયા છે. ઉપરાંત જોરહાટમાં 87 હજાર અને ચરાઈદેવમાં 72 હજારથી વધુ લોકો પૂરનો સામનો કરી રહ્યા છે.
રાજ્યના 44 રેવન્યુ સર્કલ હેઠળ આવેલા 872 ગામો હજુ પણ પાણીમાં ગરકાવ છે. અસરગ્રસ્તોને મદદ પહોંચાડવા માટે 71 રાહત શિબિરો અને 202 રાહત વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં હજારો લોકોને આશ્રય અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લઈને બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા કરવાની જાહેરાત કરી છે. તેમણે અધિકારીઓને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સહાય પહોંચાડવા અને બચાવ કામગીરી વધુ ઝડપી બનાવવા સૂચના આપી છે.









