ગિરનારમાં દોઢ ઇંચ, વિસાવદર અને તળાજામાં નોંધપાત્ર વરસાદ; વાવેલા પાકને બચાવવા વ્યાપક વરસાદની જરૂર
રાજકોટ: સૌરાષ્ટ્રમાં મેઘરાજા હજુ પણ છૂટાછવાયા વિસ્તારોમાં મહેર વરસાવી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગિરનાર પર્વત પર દોઢ ઇંચ, વિસાવદરમાં 35 મીમી અને ભાવનગર જિલ્લાના તળાજામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જોકે સમગ્ર વિસ્તારમાં એકસમાન વરસાદ ન વરસતા ખેડૂતો હવે નવા વરસાદી રાઉન્ડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
જૂનાગઢ જિલ્લામાં ગિરનાર સહિત મોટાભાગના તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ શહેર, વંથલી, માણાવદર, કેશોદ, મેંદરડા અને માળીયા હાટીનામાં પણ વરસાદી ઝાપટાં પડ્યા, જ્યારે ભેસાણ તાલુકો કોરો રહ્યો હતો. સવારે પણ જૂનાગઢ શહેરમાં ઝરમર વરસાદ સાથે આખો વિસ્તાર વાદળછાયો રહ્યો હતો.
ભાવનગર જિલ્લામાં તળાજા, સિહોર, ગારિયાધાર, પાલીતાણા અને શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. જામનગર જિલ્લામાં જોડીયા, વાંસજળિયા, વસઈ, સમાણા અને આસપાસના વિસ્તારોમાં પણ હળવા ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ખેડૂતોના જણાવ્યા મુજબ, વાવણીને લગભગ પંદર દિવસ વીતી ગયા છે અને હવે પાકના સારા વિકાસ માટે સતત તથા વ્યાપક વરસાદ અત્યંત જરૂરી બની ગયો છે. હાલમાં વરસાદ માત્ર મર્યાદિત વિસ્તારોમાં જ વરસી રહ્યો હોવાથી ખેતીને લઈને ચિંતા વધી રહી છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે, જેના કારણે ખેડૂતોમાં નવા વરસાદી રાઉન્ડને લઈને આશા જાગી છે.









