દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવત: 30 કલાકમાં 9 ઇંચ સુધી વરસાદ

નવસારી-વલસાડમાં ધોધમાર વરસાદ, રાજ્યના 165 તાલુકામાં મેઘમહેર; ઉત્તર ગુજરાત હજુ વરસાદની રાહમાં

ગાંધીનગર: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ સતત બીજા દિવસે પણ ધમાકેદાર બેટિંગ ચાલુ રાખી છે. ગઈકાલે દિવસભર વરસ્યા બાદ આજે સવારે પણ અનેક વિસ્તારોમાં એકધારો વરસાદ ચાલુ રહ્યો હતો. છેલ્લા 30 કલાકમાં નવસારી જિલ્લાના જલાલપોર સહિતના વિસ્તારોમાં 9 ઇંચ સુધી વરસાદ નોંધાતા નદીઓ-નાળાઓમાં નવા નીર આવ્યા છે અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 165 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જ્યારે આજે સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીના માત્ર છ કલાકમાં જ 65 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી હતી.

વલસાડ જિલ્લાના પારડીમાં 208 મીમી, નવસારીના જલાલપોરમાં 202 મીમી, નાનાપોઢા, વાપી, ધરમપુર, વલસાડ, ચીખલી અને ગણદેવી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લાના પલસાણા, બારડોલી અને શહેર વિસ્તારમાં પણ સારો વરસાદ વરસ્યો હતો, જ્યારે તાપી અને ડાંગ જિલ્લામાં પણ મેઘમહેર યથાવત રહી હતી.

બીજી તરફ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માત્ર છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા, જ્યારે ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારો હજુ પણ નોંધપાત્ર વરસાદથી વંચિત રહ્યા છે.

રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ 28.78 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 43.36 ટકા વરસાદ થઈ ચૂક્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 30.25 ટકા, મધ્ય ગુજરાતમાં 19.69 ટકા, ઉત્તર ગુજરાતમાં 14.66 ટકા અને કચ્છમાં માત્ર 3.42 ટકા વરસાદ નોંધાતા વરસાદનું અસમાન વિતરણ ચિંતાનો વિષય બન્યું છે.

Leave a Comment

Traffic Tail