પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલા કેસોમાં વધુ એક ઘટાડો; હાર્દિક પટેલ સહિત 17 આરોપીઓને રાહત
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા કેસોને લઈને ગુજરાત સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હાર્દિક પટેલ અને તેમના 17 સાથીદારો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસ પરત ખેંચવામાં આવ્યો છે, જેના કારણે તેમને વધુ એક કાનૂની રાહત મળી છે.
આ કેસ પરવાનગી વિના રેલી અને જાહેર સભા યોજવાના આરોપસર નોંધાયો હતો. રાજ્ય સરકારે કેસ પરત ખેંચવાની કાર્યવાહી હાથ ધરતાં કોર્ટમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગુનો પાછો ખેંચવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015ના પાટીદાર આંદોલન દરમિયાન હાર્દિક પટેલ અને તેમના સમર્થકો સામે રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અનેક ગુનાઓ નોંધાયા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્ય સરકાર આવા કેસોની સમીક્ષા કરીને તબક્કાવાર પરત ખેંચી રહી છે.
રામોલ કેસ પરત ખેંચાતા હાર્દિક પટેલ સામેના વધુ એક જૂના કેસનો અંત આવ્યો છે. રાજ્યભરમાં નોંધાયેલા અન્ય કેસોને લઈને પણ આગામી સમયમાં નિર્ણય લેવાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.









