માધવ હોમ્સ સામે મધરાત્રે દીપડો જોવા મળ્યાનો દાવો; ફોટો વાયરલ થતાં વન વિભાગે શરૂ કર્યું સર્ચ ઓપરેશન
અમદાવાદ: શહેરમાં ઘુમા વિસ્તારમાં દીપડો દેખાયા બાદ હવે ચાંદખેડા નજીક એસ.પી. રિંગ રોડ પર પણ દીપડાની હાજરીનો દાવો સામે આવ્યો છે. ઝુંડાલથી વૈષ્ણોદેવી બ્રિજ નજીક આવેલા માધવ હોમ્સ સામે મધરાત્રે આશરે 2 વાગ્યે દીપડો જોવા મળતાં વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
માહિતી મુજબ, નજીકના એક કેફેના સંચાલકે રસ્તા પર દીપડો ફરતો જોવા મળતાં તેનો ફોટો પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો. ત્યારબાદ તેણે તાત્કાલિક વન વિભાગને જાણ કરતાં અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
વન વિભાગે સમગ્ર વિસ્તારની તપાસ શરૂ કરી દીધી છે અને દીપડાની હિલચાલ અંગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આસપાસના ખુલ્લા પ્લોટ, ઝાડીઓ અને સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
દીપડો દેખાયાના દાવા બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગે લોકોને રાત્રિના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ કોઈ જંગલી પ્રાણી નજરે ચડે તો તાત્કાલિક જાણ કરવાની અપીલ કરી છે.
વન વિભાગ હાલ ફોટો અને અન્ય પુરાવાના આધારે સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યું છે. દીપડાની હાજરીની સત્તાવાર પુષ્ટિ માટે વધુ તપાસ ચાલુ છે.









