વાદળછાયા વાતાવરણથી ગરમી-ઉકળાટમાં રાહત; દિવસભર સૂર્યદેવના દર્શન થયા દુર્લભ
રાજકોટ: શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી યથાવત વરસાદી માહોલ વચ્ચે આજે પણ દિવસભર ઝરમર અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં વરસતા રહ્યા હતા. સતત વાદળછાયા વાતાવરણના કારણે શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ગરમી તેમજ ઉકળાટથી લોકોને રાહત મળી હતી.
સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો રહ્યો હતો. આખો દિવસ આકાશ વાદળોથી ઘેરાયેલું રહેતાં સૂર્યદેવના દર્શન ભાગ્યે જ થયા હતા. વરસાદી માહોલના કારણે શહેરના રસ્તાઓ પર પણ ઠંડકભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.
સ્થાનિક હવામાન કચેરીના જણાવ્યા મુજબ બપોરે 2:30 વાગ્યે રાજકોટનું મહત્તમ તાપમાન માત્ર 26.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સાથે જ હવામાં 92 ટકા ભેજ અને પવનની સરેરાશ 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નોંધાઈ હતી.
આજે સવારે 8:30 વાગ્યે મહત્તમ તાપમાન 27.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.4 ડિગ્રી નોંધાયું હતું. સવારે ભેજનું પ્રમાણ 84 ટકા અને પવનની સરેરાશ ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, ઝરમર વરસાદ અને હળવાથી મધ્યમ ઝાપટાંનો માહોલ યથાવત રહેવાની શક્યતા છે.









