હેડક્વાર્ટર પરિસરમાં મૃત હાલતમાં મળ્યા; મૃતદેહ અગરતલાની જી.બી. હોસ્પિટલ ખસેડાયો
અગરતલા: ત્રિપુરાના પોલીસ મહાનિર્દેશક (DGP) અનુરાગ ધનકરનું પોલીસ હેડક્વાર્ટર પરિસરમાં નિધન થતાં રાજ્યના પોલીસ તંત્રમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ તેઓ હેડક્વાર્ટરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર વિસ્તારને સુરક્ષા હેઠળ લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાદમાં તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની પ્રક્રિયા માટે અગરતલાની જી.બી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાને લઈને વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસ બાદ જ ઘટનાના ચોક્કસ કારણો અંગે સ્પષ્ટ માહિતી સામે આવશે.
આ ઘટના બાદ સમગ્ર પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે તપાસ એજન્સીઓ તમામ સંજોગોની વિસ્તૃત તપાસ કરી રહી છે.









