₹1,109 કરોડના બેંક કૌભાંડમાં CBIનો મેગા એક્શન: ગુપ્તા પાવરના ચાર રાજ્યોમાં દરોડા

ખોટા નાણાકીય દસ્તાવેજોના આધારે હજારો કરોડની લોન મેળવવાનો આરોપ; મહત્વના પુરાવા જપ્ત

નવી દિલ્હી: હજારો કરોડના બેંક લોન કૌભાંડની તપાસમાં કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (CBI)એ ગુપ્તા પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ₹1,109 કરોડના કથિત બેંક ફ્રોડ કેસમાં ભુવનેશ્વરની વિશેષ CBI અદાલતના સર્ચ વોરંટના આધારે કંપનીના ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને ઝારખંડ સ્થિત વિવિધ ઠેકાણાઓ પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા.

CBIની ટીમે દરોડા દરમિયાન કંપનીના કચેરીઓ અને અન્ય સંબંધિત સ્થળોએ સઘન તપાસ કરીને નાણાકીય વ્યવહારોને લગતા મહત્વપૂર્ણ દસ્તાવેજો તથા ડિજિટલ પુરાવાઓ કબજે કર્યા છે. જપ્ત કરાયેલા પુરાવાઓના આધારે હવે કૌભાંડના સમગ્ર નેટવર્કની તપાસ આગળ ધપાવવામાં આવશે.

તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, કંપનીએ બેંકો પાસેથી વધુ લોન મેળવવા માટે નાણાકીય હિસાબો, સ્ટોકની કિંમત અને અન્ય દસ્તાવેજોમાં ગેરરીતિ કરીને ખોટી માહિતી રજૂ કરી હતી. આ આધારે લોન મર્યાદા વધારવામાં આવી અને બાદમાં લોનની રકમ અન્ય હેતુઓ માટે વાપરવામાં આવી હોવાનો આરોપ છે.

તપાસમાં સામે આવ્યું છે કે ગુપ્તા પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે વિવિધ બેંકોના કન્સોર્ટિયમ પાસેથી આશરે ₹2,900 કરોડની લોન મેળવી હતી. કંપની સામે પંજાબ નેશનલ બેંકના ₹270 કરોડ અને બેંક ઓફ ઇન્ડિયાના ₹223 કરોડ સહિત અનેક બેંકોને મોટું નુકસાન પહોંચાડ્યાના આરોપોની પણ તપાસ ચાલી રહી છે.

CBIએ જણાવ્યું છે કે સમગ્ર નાણાકીય વ્યવહારોની ચકાસણી ચાલી રહી છે અને તપાસ દરમિયાન વધુ વ્યક્તિઓ તથા કંપનીઓની સંડોવણી સામે આવે તેવી શક્યતા નકારી શકાય નહીં.

Leave a Comment

Traffic Tail