સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક; વિકાસલક્ષી જાહેરાતોની સંભાવનાએ જોર પકડ્યું
નવી દિલ્હી/નવસારી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ઓગસ્ટ મહિનામાં ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતાઓ વચ્ચે નવસારી જિલ્લામાં કાર્યક્રમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં સાણંદ ખાતે સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ આ વડાપ્રધાનનો વધુ એક મહત્વપૂર્ણ ગુજરાત પ્રવાસ બની શકે છે.
સંભવિત કાર્યક્રમને લઈને નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર સહિત વહીવટી તંત્રના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાર્યક્રમના આયોજન, સુરક્ષા વ્યવસ્થા અને અન્ય જરૂરી તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
હાલ વડાપ્રધાનના પ્રવાસનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી. જોકે, પ્રવાસ દરમિયાન નવસારી તેમજ દક્ષિણ ગુજરાત માટે નવી વિકાસલક્ષી યોજનાઓ અથવા પ્રોજેક્ટોની જાહેરાત થઈ શકે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.
વડાપ્રધાનના સંભવિત આગમનને ધ્યાનમાં રાખીને જિલ્લા ભાજપ અને મહાનગર ભાજપ સંગઠને પણ આયોજનની તૈયારીઓને વેગ આપ્યો છે. સત્તાવાર કાર્યક્રમ જાહેર થયા બાદ વિવિધ વિભાગો દ્વારા તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
વડાપ્રધાનનો આ પ્રવાસ દક્ષિણ ગુજરાત માટે રાજકીય તેમજ વિકાસની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.









