ભાણવડમાં એસઓજીએ પર્દાફાશ કર્યો નશાના કારોબારનો: ગાંજો, વિદેશી દારૂ અને ગોગો પેપર સાથે યુવક ઝડપાયો

મકાનમાંથી રૂ.1.88 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત; ગાંજો-દારૂ સપ્લાય કરનાર બે શખ્સોની પોલીસને શોધ

ભાણવડ: દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજીને ભાણવડમાં નશાના ગેરકાયદે કારોબાર સામે મોટી સફળતા મળી છે. એસઓજીની ટીમે દરોડો પાડી એક યુવકને 3.056 કિલોગ્રામ ગાંજો, 91 વિદેશી દારૂની બોટલ અને 22 ગોગો પેપર સાથે ઝડપી પાડી કુલ રૂ.1.88 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

જિલ્લા એસઓજીના પીઆઈ વી.એ. રાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.એન. સિંગરખીયા અને ડી.એ. વાળાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડના હુસેની ચોક વિસ્તારમાં રહેતા **રિઝવાન ઈસુબભાઈ અયુબભાઈ બ્લોચ (ઉ.વ.20)**ના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન પોલીસે રૂ.1,52,800ની કિંમતનો 3.056 કિલોગ્રામ ગાંજો, રૂ.34,857ની કિંમતની 91 વિદેશી દારૂની બોટલો તેમજ રૂ.330ની કિંમતના 22 ગોગો પેપર મળી કુલ રૂ.1.88 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પૂછપરછ દરમિયાન આરોપીએ ગાંજો વિસનગરના તાજમહંમદ જાનમહંમદ ફકીર પાસેથી વેચાણ માટે મેળવ્યો હોવાનું જણાવ્યું હતું. જ્યારે વિદેશી દારૂ પોરબંદર જિલ્લાના હનુમાનગઢના ચના રબારી પાસેથી લાવ્યો હોવાની કબૂલાત આપી હતી.

આ મામલે ભાણવડ પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ અલગ-અલગ ગુનાઓ નોંધી બંને સપ્લાયરોને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સાથે જ સમગ્ર નશા સપ્લાય નેટવર્ક સુધી પહોંચવા પોલીસે તપાસનો વ્યાપ વધાર્યો છે.

Leave a Comment

Traffic Tail