શ્રીહરિકોટાથી સ્કાયરૂટ એરોસ્પેસના રોકેટે ભરી ઉડાન; ખાનગી સ્પેસ સેક્ટરમાં ભારતની ઐતિહાસિક સિદ્ધિ
શ્રીહરિકોટા: ભારતના અવકાશ ક્ષેત્રે આજે વધુ એક સોનેરી સિદ્ધિ નોંધાઈ છે. દેશના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ **’વિક્રમ-1’**નું આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે. આ સાથે ભારતે ખાનગી અવકાશ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઐતિહાસિક મક્કમ પગલું ભર્યું છે.
સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિકસાવવામાં આવેલા આ રોકેટનું પ્રક્ષેપણ ‘મિશન આગમન’ અંતર્ગત બપોરે 12:05 કલાકે કરવામાં આવ્યું હતું. પ્રક્ષેપણ દરમિયાન કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ, ઈસરોના વરિષ્ઠ વૈજ્ઞાનિકો અને સ્કાયરૂટ એરોસ્પેસની ટીમ ઉપસ્થિત રહી હતી.
દેશના અગ્રણી અવકાશ વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈને શ્રદ્ધાંજલિરૂપે રોકેટનું નામ ‘વિક્રમ-1’ રાખવામાં આવ્યું છે. રોકેટને અંદાજે 450 કિલોમીટર ઊંચાઈની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવાનો મિશનનો ઉદ્દેશ છે.
પ્રક્ષેપણની સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કાયરૂટ એરોસ્પેસ અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે આ સિદ્ધિ ભારતના સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ અને આત્મનિર્ભર ભારત માટે મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.
આ સફળતા સાથે ભારત એવા પસંદગીના દેશોમાં સામેલ થયું છે, જ્યાં ખાનગી ક્ષેત્ર અવકાશ મિશનમાં અસરકારક રીતે ભાગીદારી કરી રહ્યું છે. ઈસરો અને ખાનગી ઉદ્યોગ વચ્ચેનું આ સહયોગી મોડેલ ભવિષ્યમાં વધુ અદ્યતન અવકાશ મિશન અને નવી ટેક્નોલોજીના વિકાસ માટે માર્ગ મોકળો કરશે.
સફળ લોન્ચિંગ બાદ શ્રીહરિકોટા ખાતે વૈજ્ઞાનિકો અને અધિકારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નિષ્ણાતોનું માનવું છે કે આ સિદ્ધિ ભારતના કોમર્શિયલ સ્પેસ સેક્ટરને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે.









