દેશમાં વરસાદી ખાધ 24 ટકા પર પહોંચી: ખરીફ વાવેતરમાં 16 ટકાનો ઘટાડો, અછતની યોજના તૈયાર

ચોખા, તેલીબિયા અને કપાસના વાવેતર પર અસર; વરસાદની અછતવાળા વિસ્તારો માટે કેન્દ્ર સરકાર એલર્ટ

નવી દિલ્હી: દેશમાં ચોમાસાની અનિયમિતતા હવે કૃષિ ક્ષેત્ર પર સ્પષ્ટ અસર જોવા મળી રહી છે. ચાલુ મોસમમાં અનેક રાજ્યોમાં વરસાદની ભારે ખાધ નોંધાતા ખરીફ પાકના વાવેતરમાં 16 ટકાનો ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારે વરસાદની અછત ધરાવતા વિસ્તારો માટે અછત વ્યવસ્થાપનની તૈયારીઓ શરૂ કરી હોવાનું જણાવ્યું છે.

સત્તાવાર આંકડા મુજબ 17 જુલાઈ સુધી દેશમાં સરેરાશ વરસાદી ખાધ 24 ટકા નોંધાઈ છે. પ્રદેશવાર જોવામાં આવે તો ઉત્તર-પશ્ચિમ ભારતમાં 22 ટકા, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં 36 ટકા, મધ્ય ભારતમાં 14 ટકા અને દક્ષિણ ભારતમાં 27 ટકા વરસાદની ખાધ નોંધાઈ છે.

વરસાદની અછતને કારણે ખરીફ પાકના કુલ 53.1 મિલિયન હેક્ટર વિસ્તારમાં જ વાવેતર થયું છે, જે ગયા વર્ષની સરખામણીએ આશરે 10 મિલિયન હેક્ટર ઓછું છે. ખાસ કરીને ચોખા, તેલીબિયા અને કપાસના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે જ્યાં વરસાદની ગંભીર ખાધ છે ત્યાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી અછત વ્યવસ્થાપન યોજના અમલમાં મૂકવામાં આવશે. તેમણે કહ્યું કે વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને ખેડૂતોને જરૂરી સહાય પૂરી પાડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સંકલિત રીતે કાર્ય કરી રહી છે.

કૃષિ ઉત્પાદકતા અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે વિવિધ પાકોમાં ઉત્પાદન ક્ષમતામાં મોટો તફાવત છે. મકાઈનું ઉત્પાદન પ્રતિ હેક્ટર ઘણું ઊંચું છે, જ્યારે ચોખા અને કઠોળ જેવા પાકોની ઉત્પાદકતા હજુ પણ પ્રમાણમાં ઓછી છે.

કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે દેશમાં કઠોળ અને ખાદ્ય તેલનું ઉત્પાદન સ્થાનિક માંગને પહોંચી વળતું નથી. પરિણામે ભારતને પોતાની કુલ જરૂરિયાતમાંથી આશરે 20 ટકા કઠોળ અને 58 ટકા ખાદ્ય તેલની આયાત કરવી પડે છે.

Leave a Comment

Traffic Tail