દેશી દારૂમાં એસેન્સ ભેળવી વિદેશી બ્રાન્ડ તરીકે વેચાણનો પર્દાફાશ; 6,390 ખાલી બોટલો સહિત રૂ.80 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત
વાંકાનેર: મોરબી જિલ્લાના વાંકાનેરમાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગેરકાયદેસર કારોબારનો પર્દાફાશ થયો છે. વાંકાનેર સિટી પોલીસે દરોડો પાડી દેશી દારૂમાં એસેન્સ અને ફ્લેવર ભેળવી તેને વિદેશી દારૂ તરીકે તૈયાર કરીને વેચાણ કરવામાં આવતું હોવાનું બહાર લાવ્યું છે. કાર્યવાહી દરમિયાન પોલીસે 6,390 ખાલી બોટલો, 75 લિટર મિશ્રિત દેશી દારૂ, એસેન્સની બોટલો અને અન્ય સામગ્રી મળી કુલ રૂ.80,200નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ મામલે પોલીસે **જીગ્નેશ હર્ષદભાઈ કારીયા (ઉ.વ.38)**ની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ દારૂ બનાવવાની સામગ્રી અને જથ્થો રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં રહેતા સલીમ કાણીયા પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. આ માહિતીના આધારે હવે સલીમ કાણીયાને શોધવા માટે પોલીસે તજવીજ તેજ કરી છે.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે વાંકાનેરના ગાયત્રી રોડ પર આવેલી વૃંદાવન સોસાયટીના એક મકાનમાં દેશી દારૂમાં અલગ-અલગ પ્રકારના એસેન્સ અને ફ્લેવર ઉમેરી તેને વિદેશી દારૂ જેવો દેખાવ આપવામાં આવતો હતો. ત્યારબાદ તેને બોટલોમાં ભરી બજારમાં સપ્લાય કરવામાં આવતો હતો. દરોડા દરમિયાન દારૂ તૈયાર કરવા માટેની સામગ્રી અને મોટી સંખ્યામાં ખાલી બોટલો પણ મળી આવી હતી.
ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં અગાઉ પણ નકલી દારૂ અને નકલી દવાઓના કારોબારના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. રફાળેશ્વર GIDC અને માળિયા વિસ્તારમાં ડુપ્લિકેટ દારૂ બનાવવાના કારખાનાઓ ઝડપાયા બાદ હવે વાંકાનેરમાં થયેલી કાર્યવાહીથી ફરી એકવાર આવા ગેરકાયદેસર નેટવર્કની સક્રિયતા સામે આવી છે.
પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી સમગ્ર સપ્લાય ચેઇન, દારૂના ખરીદદારો, અન્ય સંડોવાયેલા શખ્સો તથા આ નકલી દારૂ ક્યાં-ક્યાં પહોંચાડવામાં આવતો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.









