ખાદ્ય તેલમાં તેજી યથાવત: સિંગતેલના ભાવમાં ફરી રૂ.15નો વધારો

બે દિવસમાં ડબ્બે રૂ.25નો ઉછાળો; મગફળીની ઓછી આવક અને વરસાદી અનિશ્ચિતતાથી બજારમાં તેજીનો માહોલ

રાજકોટ: રાજ્યમાં ખાદ્ય તેલના બજારમાં તેજીનો ટ્રેન્ડ સતત યથાવત રહ્યો છે. રાજકોટ તેલ બજારમાં આજે સિંગતેલના ડબ્બાના ભાવમાં વધુ રૂ.15નો વધારો નોંધાતા ભાવ રૂ.2,795થી વધીને રૂ.2,845 થયા છે. નોંધનીય છે કે છેલ્લા બે દિવસમાં જ સિંગતેલના ભાવમાં ડબ્બે કુલ રૂ.25નો વધારો થયો છે.

અન્ય ખાદ્ય તેલોમાં પણ ભાવવધારો જોવા મળ્યો હતો. કપાસિયા તેલના ભાવમાં ડબ્બે રૂ.10નો વધારો થતાં ભાવ રૂ.2,665થી રૂ.2,715 થયા છે, જ્યારે પામોલીન તેલમાં રૂ.5નો વધારો નોંધાતા ભાવ રૂ.2,365થી રૂ.2,370 સુધી પહોંચ્યા છે.

તેલ વેપારીઓના જણાવ્યા મુજબ, મગફળીની આવકમાં ઘટાડો, નાફેડ દ્વારા ઊંચા ભાવે મગફળીનું વેચાણ અને વૈશ્વિક બજારમાં તેજી જેવા પરિબળોના કારણે ખાદ્ય તેલના ભાવ સતત વધી રહ્યા છે. ચોમાસાની અસ્થિરતા અને વરસાદ અંગેની અનિશ્ચિતતાએ પણ બજારમાં તેજીનું વલણ વધુ મજબૂત બનાવ્યું છે.

બજાર નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં કાચા માલના પુરવઠામાં સુધારો નહીં થાય તો ખાદ્ય તેલના ભાવમાં હજુ પણ વધારો જોવા મળી શકે છે. જેના કારણે ઘરેલુ બજેટ પર વધુ અસર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail