રાજકોટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડનું ત્રણ માળનું બિલ્ડિંગ ધરાશાયી: બાળક સહિત બે ઘાયલ, મોટી જાનહાની ટળી

રાજકોટ: શહેરના દૂધસાગર રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ત્રણ માળના જર્જરિત ક્વાર્ટરનું બિલ્ડિંગ અચાનક ધરાશાયી થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ધડાકાભેર બિલ્ડિંગ તૂટી પડતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, ઘટનામાં એક બાળક અને એક પુરુષ ઈજાગ્રસ્ત થયા છે. બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સદનસીબે આ ઘટના બપોરના સમયે બનતાં મોટી જાનહાની ટળી હતી.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગ નજીક દરરોજ સાંજના સમયે બકાલા માર્કેટ ભરાતી હોય છે. જો તે સમયે આ દુર્ઘટના બની હોત તો મોટી જાનહાનિ સર્જાવાની સંભાવના હતી.

ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે સમાચાર લખાય છે ત્યાં સુધી તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી નહોતી. કાટમાળ દૂર થયા બાદ જ કોઈ અન્ય વ્યક્તિ નીચે દટાયેલી છે કે નહીં તે અંગે સ્પષ્ટતા થઈ શકશે.

આ દુર્ઘટના બાદ ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત ક્વાર્ટરોની સુરક્ષા અંગે ફરી પ્રશ્નો ઊભા થયા છે. હવે તંત્ર આવા જોખમી મકાનો અંગે શું નિર્ણય લે છે તેના પર સ્થાનિકોની નજર મંડાઈ છે.

Leave a Comment

Traffic Tail