રાજકોટ: જંગલેશ્વર મેઇન રોડ પર આવેલા રાધાકૃષ્ણનગર વિસ્તારમાં દિવસદહાડે મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરીના ગુનાનો ભક્તિનગર પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ કેસમાં કુખ્યાત હિસ્ટ્રીશીટરના સગીર પુત્રને ઝડપી પાડી ચોરાયેલા દાગીના કબજે કર્યા છે. આરોપી ચોરાયેલા દાગીના વેચવા જતો હતો ત્યારે પોલીસે તેને દબોચી લીધો હતો.
પોલીસ ફરિયાદ મુજબ, રાધાકૃષ્ણનગરમાં રહેતા હંસાબેને 3 જુલાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ સવારે કામે ગયા બાદ સાંજે ઘરે પરત ફર્યા ત્યારે મકાનના કબાટમાંથી રૂ.50 હજાર રોકડા તેમજ સોનાનો ચેઇન, બુટી, વીંટી, ઓમકાર પેન્ડન્ટ અને ચાંદીના દાગીના સહિત કુલ રૂ.1.35 લાખનો મુદ્દામાલ ચોરી ગયો હોવાનું સામે આવ્યું હતું.
ભક્તિનગર પોલીસના પીઆઈ જે. ડી. પરમારના માર્ગદર્શન હેઠળ તપાસ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે કોઠારિયા મેઇન રોડ વિસ્તારમાં સોનાના દાગીના વેચવા ફરતા સગીરને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી ચોરાયેલા તમામ દાગીના કબજે કરવામાં આવ્યા હતા.
પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે તે પોતાના સંબંધીના ઘરે રોકાવા આવ્યો હતો અને ફરિયાદીની દૈનિક રૂટિન પર નજર રાખી હતી. દિવસ દરમિયાન ઘર ખાલી હોવાની ખાતરી થતાં બાજુની દીવાલ કૂદી મકાનમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં જ પડેલી ચાવીથી કબાટ ખોલીને ચોરીને અંજામ આપ્યો હોવાનું પણ તેણે સ્વીકાર્યું હતું.
પોલીસે ચોરાયેલા તમામ દાગીના કબજે કર્યા છે. જોકે આરોપીએ રૂ.50 હજારની રોકડ મોજશોખમાં ખર્ચી નાખ્યાનો દાવો કર્યો છે. પોલીસ હાલ આ રકમનો વાસ્તવિક ઉપયોગ, અન્ય કોઈની સંડોવણી અને સગીરનો અગાઉના ગુનાઓ સાથે કોઈ સંબંધ છે કે નહીં તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે.









