મોરબી: મોરબી તાલુકાના જેતપર અને ચકમપર ગામની સીમમાં એક જ રાત્રે બનેલા ચોરી, લૂંટ અને દુષ્કર્મના બે ગંભીર ગુનાઓમાં ફરાર મુખ્ય સૂત્રધારને જિલ્લા એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી ગેંગ સાથે મળીને વાડી વિસ્તારોમાં ચોરી અને લૂંટના ઇરાદે જતો હતો અને વિરોધ થતાં મહિલાઓ પર દુષ્કર્મ આચરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસ તપાસ મુજબ, ગત 4 જૂનની રાત્રે પાંચ શખ્સોની ગેંગ ચોરી અને લૂંટના ઇરાદે જેતપર અને ચકમપર ગામની વાડીઓમાં ઘૂસી હતી. બંને સ્થળે હાજર દંપતીને હથિયારો બતાવીને ધમકાવવામાં આવ્યા હતા. દાગીના કે રોકડ ન મળતાં આરોપીઓએ મહિલાના પતિના ગળા પર છરી રાખીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જેતપર ગામે ગેંગના એક આરોપીએ મહિલાની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ગેંગ ચકમપર ગામે પહોંચી હતી, જ્યાં વધુ એક વાડીમાં ઘૂસીને મહિલાના પતિને બંધક બનાવી ત્રણ આરોપીઓએ મહિલાની સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.
આ બંને બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુનાઓ નોંધાયા હતા. તપાસ દરમિયાન પોલીસે અગાઉ નવઘણ કાળુભાઈ વાધેલા, દિલીપ કેશાભાઈ વાજેલીયા, મુન્ના ગંગારામભાઈ વાજેલીયા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. ઉપરાંત કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોર સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કેસમાં ફરાર મુખ્ય સૂત્રધાર દિનેશભાઈ મધુભાઈ જખાનીયાને પકડવા પોલીસ સતત પ્રયાસ કરી રહી હતી. દરમિયાન જિલ્લા એલસીબીને ચોક્કસ બાતમી મળતા ધ્રોલ-ભાદરા પાટિયા માર્ગ પર વોચ ગોઠવી આરોપીને બાઇક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસેથી એક બાઇક, મોબાઇલ ફોન સહિત અંદાજે રૂ.20 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી દિનેશ જખાનીયા સામે વાંકાનેર, ધ્રાંગધ્રા અને મોરબી તાલુકા પોલીસ મથકોમાં અગાઉથી ચાર ગુનાઓ નોંધાયેલા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પોતાની ગેંગ સાથે રાત્રિના સમયે વાડી વિસ્તારોમાં ચોરી અને લૂંટ કરવા જતો હતો અને તક મળતાં મહિલાઓ પર દુષ્કર્મ પણ આચરતો હતો.
હાલ આરોપીને મોરબી તાલુકા પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. પોલીસે તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે અને ગેંગના અન્ય ગુનાઓ તથા સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરી છે.









