રાજકોટ: રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં પોલીસે ગેરકાયદે હથિયાર રાખનાર શખ્સ સામે કાર્યવાહી કરતાં દેશી બનાવટની પિસ્ટલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી અંદાજે રૂ.10 હજારની કિંમતનું હથિયાર કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વેરાવળ ગામથી પડવલા તરફ જવાના માર્ગ પર આવેલા રેલવે ફાટક નજીક દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં શંકાસ્પદ હાલતમાં આંટાફેરા મારતા પ્રકાશ ઉર્ફે પક્કો રણછોડ પરમાર (ઉં.વ. 31), રહે. શીતળા મંદિર પાસે, પારડી (મૂળ વતન શેખપર ગામ, મુળી, સુરેન્દ્રનગર)ને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી.
તપાસ દરમિયાન આરોપીની પાસેથી દેશી બનાવટની ગેરકાયદે પિસ્ટલ મળી આવતાં પોલીસે હથિયાર કબ્જે કરીને તેની અટકાયત કરી હતી.
રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ગેરકાયદે હથિયારો રાખતા અને વેચાણ કરતા શખ્સો સામે ચાલી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત શાપર પોલીસ મથકના પીઆઈ આર.બી. રાણાની ટીમે આ સફળ કાર્યવાહી કરી હતી.
પ્રાથમિક તપાસ બાદ પોલીસે આરોપી સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ હથિયાર ક્યાંથી મેળવ્યું, કોની પાસેથી ખરીદ્યું અને તેનો ઉપયોગ કયા હેતુથી કરવાનો હતો તે સહિતના તમામ મુદ્દાઓની પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.









