ટ્રમ્પ-ઈરાન તણાવથી ક્રૂડ ઓઈલમાં તેજી, પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાની આશા પર પાણી ફરી વળ્યું

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન વચ્ચે વધતા ભૂરાજકીય તણાવની અસર વૈશ્વિક ક્રૂડ ઓઈલ બજાર પર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો નોંધાતા ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાત્કાલિક રાહત મળવાની આશા ફરી એકવાર ધૂંધળી બની છે.

બુધવારે ક્રૂડ ઓઈલના ભાવમાં 6 ટકાથી વધુનો ઉછાળો નોંધાયા બાદ ગુરુવારે પ્રતિ બેરલ ભાવ 78 ડોલરને પાર પહોંચી ગયો હતો. વૈશ્વિક બજારમાં વધતી અનિશ્ચિતતા વચ્ચે ઊર્જા પુરવઠાને લઈને ફરી ચિંતા ઊભી થઈ છે.

કેપ્લરના મુખ્ય વિશ્લેષક સુમિત રિટોલિયાના જણાવ્યા અનુસાર, ભારત માટે હાલ સૌથી મોટી ચિંતા માત્ર ક્રૂડ ઓઈલ નહીં પરંતુ LPG અને LNGના પુરવઠાની પણ છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતનો ક્રૂડ ઓઈલ આયાત સ્ત્રોત હવે વૈવિધ્યસભર હોવાથી તાત્કાલિક સપ્લાય સંકટની શક્યતા ઓછી છે.

તેમણે જણાવ્યું કે ભારત હાલમાં રશિયા ઉપરાંત સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE), પશ્ચિમ આફ્રિકા અને લેટિન અમેરિકામાંથી પણ મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ આયાત કરી રહ્યું છે. જૂન મહિનામાં ભારતની કુલ ક્રૂડ આયાત વધીને આશરે 4.93 મિલિયન બેરલ પ્રતિ દિવસ સુધી પહોંચી હતી.

બીજી તરફ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાત્કાલિક ઘટાડો થવાની શક્યતા પણ ઓછી માનવામાં આવી રહી છે. માર્ચ મહિનામાં સરકારી તેલ કંપનીઓ માટે ક્રૂડ ખરીદીનો સરેરાશ ભાવ પ્રતિ બેરલ 156 ડોલર સુધી પહોંચ્યો હતો, જે જૂનમાં ઘટીને 83.22 ડોલર રહ્યો હતો. જોકે તાજેતરના વૈશ્વિક તણાવ બાદ ભારતીય ક્રૂડ બાસ્કેટનો દૈનિક સરેરાશ ભાવ ફરી વધીને 76.88 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે 1 જુલાઈએ ખાનગી કંપની નાયરાએ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹5 અને ડીઝલમાં ₹3નો ઘટાડો કર્યો હતો, પરંતુ સરકારી તેલ કંપનીઓએ હજુ સુધી ભાવ ઘટાડ્યા નથી. સરકારી કંપનીઓનું કહેવું છે કે અગાઉના સમયગાળામાં થયેલા આશરે ₹75,000 કરોડના નુકસાનને કારણે હાલ ભાવમાં રાહત આપવી શક્ય નથી.

નિષ્ણાતોના મત મુજબ, જો પશ્ચિમ એશિયામાં તણાવ યથાવત રહેશે અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધુ વધારો થશે, તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના હાલ અત્યંત ઓછી છે.

Leave a Comment

Traffic Tail