સુરતમાં “શિક્ષા કે શિલ્પકાર” સન્માન સમારોહ યોજાયો: શ્રેષ્ઠ આચાર્યો અને શિક્ષકોનું બહુમાન

સુરત: શિક્ષણ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર આચાર્યો અને શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે સુરતમાં “શિક્ષા કે શિલ્પકાર” સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકો અને શાળાઓને વિવિધ શ્રેણીમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.

સમારોહ દરમિયાન ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં 100 ટકા પરિણામ આપનાર કુલ 365 શાળાઓના આચાર્યોને વિશેષ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું. તેમની કામગીરીને બિરદાવી પ્રશસ્તિપત્ર અને સન્માનચિહ્ન એનાયત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, શિક્ષણ વિભાગમાં સતત પાંચ વર્ષની સફળ સેવા પૂર્ણ કરનાર 163 શિક્ષકોને પૂર્ણ પગારના આદેશપત્રો પણ વિતરણ કરવામાં આવ્યા હતા. આ નિર્ણયથી શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરી તેમજ સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ શિક્ષકોને સમાજના સાચા શિલ્પકાર ગણાવી તેમના યોગદાનની પ્રશંસા કરી હતી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા દેશના ભવિષ્યના ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા આહ્વાન કર્યું હતું.

સમારોહમાં મોટી સંખ્યામાં આચાર્યો, શિક્ષકો, શિક્ષણ અધિકારીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોના સન્માનથી ગૌરવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

Leave a Comment

Traffic Tail