ગાંધીનગર: ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્યના નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI)ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન નવેમ્બર-2025માં યોજાયેલી સમીક્ષા બેઠક બાદ વિવિધ માર્ગ પ્રોજેક્ટ્સમાં થયેલી પ્રગતિ અંગે મુખ્ય સચિવ એમ. કે. દાસ અને મુખ્યમંત્રીના સલાહકાર એસ.એસ. રાઠોડ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કામગીરીની પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
સમીક્ષા દરમિયાન વડોદરા-મુંબઈ નેશનલ હાઈવે-48ના સિક્સ લેન પ્રોજેક્ટ, મોરબી-સામખિયાળી માર્ગના સામખિયાળી-માળિયા સેક્શન, રાજકોટ-ગોંડલ-જેતપુર રોડ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે, અમદાવાદ-ગોધરા-ઇન્દોર રોડ, જામનગર-અમૃતસર એક્સપ્રેસ-વે, પાલનપુર-સામખિયાળી કોરિડોર તેમજ અમદાવાદ-શામળાજી સિક્સ લેન પ્રોજેક્ટ સહિતના મહત્વપૂર્ણ માર્ગ વિકાસ કાર્યોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવવાની કામગીરી આગામી ત્રણ મહિનામાં શરૂ કરવામાં આવશે. ઉપરાંત, સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (CRIF) હેઠળના માર્ગ પ્રોજેક્ટ્સ માટે રાજ્ય સરકાર ત્વરિત દરખાસ્તો મોકલે તેવી પણ તેમણે અપીલ કરી હતી.
ગડકરીએ માર્ગોના DPR તૈયાર થવાના તબક્કે જમીન સંપાદનની પ્રક્રિયા સરળ બનાવવા માટે બિનખેતી મંજૂરી સંબંધિત કાર્યવાહી 60 દિવસ માટે સ્થગિત રાખવાના ગુજરાત સરકારના મોડલની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આ મોડલ સમગ્ર દેશ માટે માર્ગદર્શક બની શકે છે.
બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા, NHAIના ટેકનિકલ મેમ્બર આલોક દીપાંકર, માર્ગ પરિવહન મંત્રાલયના ચીફ એન્જિનિયર મનોજ કુમાર, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ ડૉ. વિનોદ રાવ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, માર્ગ અને મકાન વિભાગના સચિવ પ્રભાત પટેલિયા, ખાસ સચિવ ગાંધી તેમજ NHAI અને રાજ્ય સરકારના અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.









