નીતિ આયોગનો ચોંકાવનારો રિપોર્ટ; દરરોજ સરેરાશ 25 સરકારી શાળાઓ થઈ બંધ, ખાનગી શાળાઓમાં સતત વધારો
નવી દિલ્હી: દેશના ગ્રામીણ વિસ્તારોમાં શાળાકીય શિક્ષણ ગંભીર પડકારોનો સામનો કરી રહ્યું છે. નીતિ આયોગના તાજેતરમાં જાહેર થયેલા ‘સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા: ટેમ્પોરલ એનાલિસિસ એન્ડ પોલિસી રોડમેપ ફોર ક્વોલિટી એનહાન્સમેન્ટ’ અહેવાલમાં ખુલાસો થયો છે કે છેલ્લા એક દાયકામાં દેશભરમાંથી 94 હજારથી વધુ સરકારી શાળાઓ બંધ અથવા વિલીનીકરણ કરવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર વર્ષ 2014-15માં દેશમાં 11.07 લાખ સરકારી શાળાઓ કાર્યરત હતી, જે વર્ષ 2024-25માં ઘટીને 10.13 લાખ રહી ગઈ છે. એટલે કે છેલ્લા 10 વર્ષમાં દરરોજ સરેરાશ 25 સરકારી શાળાઓ બંધ થઈ છે. સરકારી સહાયિત શાળાઓની સંખ્યા પણ 83 હજારથી ઘટીને 79 હજાર થઈ ગઈ છે.
બીજી તરફ ખાનગી શિક્ષણ ક્ષેત્રમાં સતત વધારો નોંધાયો છે. વર્ષ 2014-15માં 2.88 લાખ ખાનગી શાળાઓ હતી, જે હવે વધીને 3.39 લાખ સુધી પહોંચી ગઈ છે. આ આંકડા દર્શાવે છે કે શિક્ષણ ક્ષેત્રે ખાનગી સંસ્થાઓનો પ્રભાવ સતત વધી રહ્યો છે.
અહેવાલ મુજબ છેલ્લા દાયકામાં દેશની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ 2.26 કરોડનો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2014-15માં 26.95 કરોડ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જ્યારે વર્ષ 2024-25માં આ સંખ્યા ઘટીને 24.69 કરોડ રહી ગઈ છે.
નીતિ આયોગે આ ઘટાડા પાછળ અનેક કારણો જવાબદાર ગણાવ્યા છે. દેશમાં ઘટતો પ્રજનન દર, શાળા જવા લાયક બાળકોની ઓછી થતી વસ્તી, ઓછી વિદ્યાર્થી સંખ્યા ધરાવતી શાળાઓનું વિલીનીકરણ અને ઉચ્ચ ધોરણોમાં વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ જેવા પરિબળો મુખ્ય કારણ તરીકે સામે આવ્યા છે.
સરકારે ‘સ્કૂલ કન્સોલિડેશન’ નીતિ હેઠળ ઓછી સંખ્યાવાળી નજીકની શાળાઓને એકીકૃત કરવાનો નિર્ણય લીધો છે. સરકારના મત મુજબ આ પગલાથી શિક્ષકો, ઈમારતો અને અન્ય સંસાધનોનો વધુ અસરકારક ઉપયોગ શક્ય બનશે. જોકે નિષ્ણાતોનું માનવું છે કે ગામની નજીકની શાળા બંધ થતાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની દીકરીઓ સહિત અનેક વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સુધી પહોંચ મુશ્કેલ બની રહી છે, જેના કારણે અભ્યાસ છોડવાના કિસ્સાઓમાં વધારો થવાની આશંકા છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં સૌથી વધુ શાળાઓનું વિલીનીકરણ કરવામાં આવ્યું છે. બંને રાજ્યોમાં મળીને અંદાજે 40 હજાર જેટલી શાળાઓ બંધ અથવા મર્જ કરવામાં આવી છે, જે દેશના શિક્ષણ ક્ષેત્ર માટે ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે.









