લોધિકામાં ખનીજ માફિયા સામે પોલીસનો મોટો પ્રહાર : રૂ.1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

વડવાજડી અને પીપળીયા પાળમાં સંયુક્ત દરોડા, ગેરકાયદેસર ખનન કરતા લીઝ ધારક સહિત કાર્યવાહી

રાજકોટ: લોધિકા તાલુકાના વડવાજડી અને પીપળીયા પાળ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. એસઓજી અને ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત ટીમે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી રૂ.1.04 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર રીતે રેતી, કપચી અને મોરમનું ખનન તેમજ સંગ્રહ થતો હોવાનું સામે આવ્યું છે.

પ્રથમ કાર્યવાહીમાં લોધિકાના વડવાજડી ગામે વાગુદળ રોડ પર આવેલા ‘ઓમ કોંક્રીટ’ એકમ પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન રોયલ્ટી ભર્યા વગર ગેરકાયદેસર રીતે ખનીજનો સંગ્રહ અને વહન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી એક ડમ્પર, અંદાજે 190 ટન કપચી અને 100 ટન રેતી સહિત કુલ રૂ.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

બીજી કાર્યવાહીમાં પીપળીયા પાળ ગામની સીમમાં ગેરકાયદેસર મોરમ ખનનની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન વાવડીના લીઝ ધારક વિજયપાલસિંહ બલવંતસિંહ ચુડાસમા દ્વારા નિયમોનો ભંગ કરીને ખનન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી જેસીબી, ડમ્પર અને અંદાજે 100 ટન મોરમ સહિત કુલ રૂ.70.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બંને દરોડામાં જપ્ત કરાયેલા તમામ વાહનો અને ખનીજનો જથ્થો આગળની કાર્યવાહી માટે ખાણ-ખનીજ વિભાગને સોંપવામાં આવ્યો છે. વિભાગ દ્વારા કમ્પાઉન્ડિંગ દંડ સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ એફ.એ. પારગીની રાહબરીમાં હાથ ધરવામાં આવી હતી. કામગીરીમાં એસઓજીના અધિકારીઓ તથા ખાણ-ખનીજ વિભાગની ટીમે સંયુક્ત રીતે મહત્વની ભૂમિકા ભજવી હતી.

Leave a Comment

Traffic Tail