ચોમાસાએ પકડી રફ્તાર: દેશભરમાં વરસાદની ખાધ 40 ટકાથી ઘટીને 15.2% પર, ખરીફ વાવેતરને મળશે વેગ

નવી દિલ્હી: જુલાઈ મહિનાની શરૂઆતમાં દેશના અનેક રાજ્યોમાં થયેલા સારા વરસાદથી ચોમાસાની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. સરેરાશ કરતાં 42 ટકા વધુ વરસાદ નોંધાતા જૂનના અંત સુધી રહેલી 40 ટકાની વરસાદી ખાધ હવે ઘટીને માત્ર 15.2 ટકા પર પહોંચી છે. આ સુધારાથી ખરીફ પાકના વાવેતરને નવી ગતિ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે વરસાદમાં આવેલા સુધારાને કારણે વરસાદની અછત ધરાવતા જિલ્લાઓની સંખ્યા 262થી ઘટીને 178 થઈ ગઈ છે. આગામી દિવસોમાં વાવેતરની પ્રક્રિયા વધુ તેજ બનશે તેવી આશા છે.

ગત સપ્તાહ દરમિયાન મધ્ય ભારતમાં ચોમાસું અત્યંત સક્રિય રહેતાં અગાઉ નોંધાયેલી 50 ટકાની વરસાદી ખાધ હવે 4 ટકા સરપ્લસમાં ફેરવાઈ ગઈ છે. દેશના ડાંગર, કઠોળ, તેલીબિયાં અને કપાસ જેવા મુખ્ય ખરીફ પાકના કુલ વાવેતરમાં મધ્ય ભારતનો અંદાજે એક-તૃતીયાંશ હિસ્સો હોવાથી આ વરસાદ ખેડૂતો માટે રાહતરૂપ બન્યો છે.

જોકે, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના વિસ્તારોમાં સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. આ વિસ્તારોમાં સરેરાશ 39 ટકા વરસાદની અછત નોંધાઈ છે. બિહારમાં 53 ટકા, જ્યારે ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં 40 ટકા ઓછો વરસાદ પડતા ખરીફ વાવેતર પર તેની અસર થવાની શક્યતા છે.

સરકારે મહારાષ્ટ્રના 20 જિલ્લાઓ સહિત દેશના 111 જિલ્લાઓને અત્યંત સંવેદનશીલ જાહેર કર્યા છે, જ્યાં સિંચાઈની સુવિધા 25 ટકા કરતાં ઓછી છે. આવા વિસ્તારોના ખેડૂતોને ડાંગરના બદલે મકાઈ, બાજરી અને મગ જેવા ઓછા પાણીની જરૂરિયાત ધરાવતા પાક તરફ વળવાની સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસું સમગ્ર દેશને આવરી લેશે. જોકે પ્રશાંત મહાસાગરમાં સક્રિય અલ નિનોની અસરને કારણે જુલાઈના અંત સુધી સરેરાશ વરસાદ સામાન્ય કરતાં થોડો ઓછો રહી શકે છે.

વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન કાર્યાલયે ઉચ્ચસ્તરીય બેઠક યોજી તમામ સંબંધિત મંત્રાલયોને સ્થાનિક સ્તરે માઇક્રો-પ્લાનિંગ કરવા સૂચના આપી છે. કૃષિ મંત્રાલયે અસરગ્રસ્ત જિલ્લાઓ માટે ઇમરજન્સી કન્ટિન્જન્સી પ્લાન અમલમાં મૂક્યો છે અને ખેડૂતોને પાક વીમા યોજનાનો વધુમાં વધુ લાભ મળે તે માટે ખાસ અભિયાન પણ શરૂ કર્યું છે.

Leave a Comment

Traffic Tail