રામ મંદિર અને બદ્રીનાથ બાદ હવે બગલામુખી મંદિરમાં દાનમાં ગેરરીતિનો આરોપ: તપાસના આદેશ

આગર-માલવા: અયોધ્યાના રામ મંદિર અને ઉત્તરાખંડના બદ્રીનાથ ધામ બાદ હવે મધ્ય પ્રદેશના આગર-માલવા જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ મા બગલામુખી મંદિરમાં દાન અને ચઢાવાની રકમમાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. મંદિર સાથે જોડાયેલી નાણાકીય અનિયમિતતાઓની ફરિયાદો મળતા જિલ્લા પ્રશાસન હરકતમાં આવ્યું છે.

પ્રશાસનને મળેલી ફરિયાદો મુજબ, મંદિરમાં આવતા દાનની રકમ અને સોના-ચાંદીના ચઢાવાનું યોગ્ય હિસાબ રાખવામાં આવતો ન હોવાની સાથે કેટલાક દાન ખાનગી બેંક ખાતાઓમાં જમા કરાવવામાં આવતા હોવાના આક્ષેપો થયા છે.

મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આગર-માલવાના કલેક્ટર પ્રીતિ યાદવે ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે. જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યપાલક અધિકારી બી.એસ. સોલંકીની અધ્યક્ષતામાં બનેલી આ સમિતિને સાત દિવસમાં મંદિરના બેંક ખાતા, રસીદ બુક અને અન્ય નાણાકીય દસ્તાવેજોની વિગતવાર તપાસ કરીને અહેવાલ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ફરિયાદોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કેટલીક બિન-સરકારી વ્યક્તિઓ દ્વારા રોકડ તેમજ સોના-ચાંદીના રૂપમાં ગેરકાયદેસર રીતે દાન અને ચઢાવાની વસૂલાત કરવામાં આવી રહી હતી. તપાસ દરમિયાન આ તમામ મુદ્દાઓની પણ ચકાસણી કરવામાં આવશે.

મામલો સામે આવ્યા બાદ રાજકીય માહોલ પણ ગરમાયો છે. કોંગ્રેસે આ ઘટનાને લઈને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. બીજી તરફ રાજ્યના ધર્મસ્વ મંત્રી ધર્મેન્દ્ર લોધીએ જણાવ્યું છે કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગેરરીતિ કરવામાં આવી હોવાની માહિતી મળી છે અને દોષિત સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે જણાવ્યું કે ભવિષ્યમાં મંદિરના વહીવટમાં વધુ પારદર્શિતા લાવવા માટે દર ત્રણ મહિને નિયમિત ઓડિટ કરવામાં આવશે. ઉપરાંત, શ્રદ્ધાળુઓ સુરક્ષિત રીતે દાન આપી શકે તે માટે ક્યુઆર કોડ આધારિત ડિજિટલ દાન વ્યવસ્થા પણ અમલમાં મૂકવામાં આવશે.

Leave a Comment

Traffic Tail