દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનો ધમાકો યથાવત: કામરેજમાં 8.31 ઇંચ, સુરતમાં 7 ઇંચ વરસાદથી જળબંબાકાર

સવારથી અવિરત વરસાદે જનજીવન ખોરવ્યું; પડસાણામાં શાળામાં ફસાયેલા 50 લોકોનું રેસ્ક્યુ, નવસારી-ડાંગ-તાપીમાં પણ ધોધમાર વરસાદ

સુરત: નૈઋત્ય ચોમાસું ગુજરાતમાં સંપૂર્ણ સક્રિય બનતાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી તોફાની બેટિંગ કરી છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના કામરેજમાં 8.31 ઇંચ નોંધાયો હતો, જ્યારે સુરત શહેરમાં 7 ઇંચ વરસાદ ખાબકતાં રસ્તાઓ, નીચાણવાળા વિસ્તારો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના અનેક મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર પર પણ ભારે અસર જોવા મળી હતી.

પડસાણા વિસ્તારમાં 6 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે અહીં આવેલી એક આદર્શ નિવાસી શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત આશરે 50 લોકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમે સ્થળ પર પહોંચી સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

સુરત ઉપરાંત નવસારી, ડાંગ, તાપી અને વલસાડ જિલ્લામાં પણ અવિરત ભારે વરસાદનો દોર યથાવત રહ્યો હતો. અનેક સ્થળોએ નદી-નાળા છલકાયા હતા, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી હતી.

હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. વહીવટી તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે, જ્યારે નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail