નશાબંધી અને આબકારી વિભાગનો જુનિયર ક્લાર્ક ₹10 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો

લીકર પરમિટ કાઢી આપવાના બહાને લાંચની માંગણી; ફરિયાદના આધારે વલસાડ-ડાંગ ACBની સફળ ટ્રેપ કાર્યવાહી

વલસાડ: નશાબંધી અને આબકારી વિભાગમાં ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિભાગમાં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક અનિલભાઈ રણછોડભાઈ કાનાણીને ₹10 હજારની લાંચ સ્વીકારતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ રંગેહાથ ઝડપી પાડ્યો છે.

ACBના જણાવ્યા મુજબ, આરોપી લીકર પરમિટ કાઢી આપવાના બદલામાં અરજદાર પાસેથી ₹5 હજારથી ₹10 હજાર સુધીની લાંચની માંગણી કરતો હતો. આ અંગે નાગરિકે ACBમાં ફરિયાદ નોંધાવતા વલસાડ અને ડાંગ ACBની સંયુક્ત ટીમે ડિકોય ટ્રેપ ગોઠવી હતી.

આયોજિત ટ્રેપ દરમિયાન આરોપી નશાબંધી અને આબકારી વિભાગની કચેરીની ગેલેરીમાં ₹10 હજારની લાંચ સ્વીકારતો ઝડપાઈ ગયો હતો. ACBની ટીમે સ્થળ પરથી જ આરોપીની અટકાયત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

આ મામલે આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં અને અગાઉ પણ આવી રીતે લાંચ લેવામાં આવી હતી કે કેમ તે દિશામાં પણ ACB તપાસ આગળ ધપાવી રહી છે.

ACBએ નાગરિકોને અપીલ કરી છે કે સરકારી કામ માટે કોઈ અધિકારી કે કર્મચારી લાંચની માંગણી કરે તો તેની જાણ તાત્કાલિક ACBને કરીને ભ્રષ્ટાચાર સામેની લડતમાં સહભાગી બનવું.

Leave a Comment

Traffic Tail