વૈશ્વિક બજારમાં મંદી અને ડોલરની મજબૂતીની અસર; સ્થાનિક બજારમાં પણ ખરીદી નબળી પડતા કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો
રાજકોટ: વૈશ્વિક આર્થિક પરિબળો અને સ્થાનિક બજારમાં નબળી માંગ વચ્ચે બુલીયન માર્કેટમાં આજે ફરી મોટો ઘટાડો નોંધાયો છે. સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹2,300નો ઘટાડો થતાં ભાવ ફરી ₹1.50 લાખની નીચે સરક્યો છે, જ્યારે ચાંદીમાં એક જ દિવસમાં ₹5,000નો ઘટાડો નોંધાયો છે.
રાજકોટના સ્થાનિક બજારમાં આજે 10 ગ્રામ સોનાનો ભાવ ₹2,300 ઘટીને ₹1,48,700 પર પહોંચ્યો હતો. કોમોડિટી એક્સચેન્જના વાયદા બજારમાં પણ સોનામાં ₹1,550નો ઘટાડો નોંધાતાં ભાવ ₹1,45,360 રહ્યા હતા. વૈશ્વિક બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તે 37 ડોલર ઘટીને 4,120 ડોલર પ્રતિ ઔંસ રહ્યા હતા.
ચાંદીના બજારમાં પણ ભારે નરમાઈ જોવા મળી હતી. સ્થાનિક બજારમાં ચાંદીનો ભાવ ₹5,000 ઘટીને ₹2.35 લાખ પ્રતિ કિલો રહ્યો હતો, જ્યારે કોમોડિટી એક્સચેન્જમાં ચાંદીના વાયદામાં ₹4,200નો ઘટાડો થતાં ભાવ ₹2,31,895 સુધી સરક્યા હતા.
બુલીયન બજારના વેપારીઓના જણાવ્યા અનુસાર વૈશ્વિક બજારમાં અમેરિકી ડોલરની સતત મજબૂતી, આંતરરાષ્ટ્રીય આર્થિક પરિસ્થિતિ અને રોકાણકારોની બદલાતી રણનીતિના કારણે કિંમતી ધાતુઓ પર દબાણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ સ્થાનિક બજારમાં પણ ખરીદીનો માહોલ નબળો હોવાથી ભાવને પૂરતો ટેકો મળી રહ્યો નથી.
વેપારીઓનું માનવું છે કે આગામી કેટલાક મહિનાઓ સુધી લગ્નસરા અને તહેવારોની ખરીદીનો ખાસ માહોલ નહીં હોવાથી બજારમાં માંગ મર્યાદિત રહેવાની શક્યતા છે. તહેવારોની સિઝન નજીક આવશે ત્યાર બાદ જ સોના-ચાંદીના વેપારમાં ફરી તેજી જોવા મળી શકે છે.









