ગુજરાતના 11 ડેમ હાઈ એલર્ટ પર: પાંચ જળાશયો ઓવરફ્લો, રાજકોટના મોટાભાગના ડેમોમાં હજુ પાણીની અછત

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી અનેક ડેમ છલકાયા; રાજકોટ જિલ્લામાં 27માંથી 22 ડેમોમાં હજુ માત્ર 2થી 30 ટકા જ જળસંગ્રહ

ગાંધીનગર/રાજકોટ: રાજ્યમાં સક્રિય બનેલી એકથી વધુ વરસાદી સિસ્ટમોના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાતા અનેક જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ હાલમાં રાજ્યના 11 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જ્યારે 5 ડેમ સંપૂર્ણ ક્ષમતા સાથે ભરાઈ જતા તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

સંપૂર્ણ ભરાયેલા ડેમોમાં અમરેલીના ધાતરવાડી અને સુરજવાડી, ભાવનગરના માલણ અને શેત્રુંજી તેમજ તાપીના ડોસવાડા ડેમનો સમાવેશ થાય છે. જ્યારે રોજકી, ખોડિયાર, રંઘોળા, વણાંકબોરી, રાયડી અને ધોળીધજા સહિતના ડેમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

આ ઉપરાંત ધાતરવાડી-2, વાંસલ, બાંટવા ખારો અને રાવલ ડેમ એલર્ટ પર છે, જ્યારે શેલ દેદુમલ, વેણુ-2, સારણ, આજી-2, સુખી અને કાળુભાર ડેમ વોર્નિંગ લેવલ પર પહોંચી ગયા છે.

રાજ્યના સૌથી મોટા સરદાર સરોવર ડેમમાં હાલમાં કુલ ક્ષમતાના આશરે 64.98 ટકા જેટલો જળસંગ્રહ ઉપલબ્ધ છે. ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે, જ્યારે નિયંત્રિત રીતે નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

રાજ્યના અન્ય 206 જળાશયોમાં સરેરાશ 40.01 ટકા જળસંગ્રહ નોંધાયો છે. આ જળાશયોમાંથી 5 ડેમ 100 ટકા ભરાઈ ચૂક્યા છે, જ્યારે 17 ડેમ 70થી 100 ટકા, 21 ડેમ 50થી 70 ટકા, 54 ડેમ 25થી 50 ટકા અને 109 ડેમોમાં હજુ 25 ટકાથી ઓછું પાણી છે.

બીજી તરફ રાજકોટ જિલ્લામાં સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. જિલ્લામાં આવેલા 27 જળાશયોમાંથી માત્ર પાંચ ડેમમાં જ નોંધપાત્ર પાણી છે, જ્યારે 22 ડેમોમાં હજુ માત્ર 2થી 30 ટકા જ જળસંગ્રહ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ભાદર-1, આજી-3, ન્યારી-2, ફોફળદંગ બેટી, ભાદર-2, કર્ણુકી, માલગઢ, મચ્છુ-2 અને બ્રાહ્મણી-2 સહિતના જળાશયોમાં નવા નીરની આવક નોંધાઈ છે.

રાજકોટ નજીકનો લાલપરી ડેમ 70 ટકા સુધી ભરાઈ ગયો છે. ડેમની જળસપાટી સતત વધી રહી હોવાથી વહીવટી તંત્રે નવાગામ અને બેડી ગામ સહિત નદીકાંઠાના વિસ્તારોના લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે અને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપી છે.

જિલ્લાના ગોંડલી, વાછપરી, વેરી, મોતીસર, ખોડાપીપર, છાપરવાડી-1, છાપરવાડી-2, ઈશ્વરીયા, કરમાળ, કર્ણુકી અને માલગઢ સહિતના 10 જળાશયો હજુ લગભગ ખાલી સ્થિતિમાં છે. ભારે વરસાદ છતાં રાજકોટ જિલ્લામાં હજુ પૂરતા વરસાદના અભાવે જળસંગ્રહની સ્થિતિ સંપૂર્ણપણે સુધરી નથી, જેના કારણે આગામી વરસાદ પર જળવ્યવસ્થાનો મોટો આધાર રહેલો છે.

Leave a Comment

Traffic Tail