ગુજરાતમાં પાંચ હવામાન સિસ્ટમ સક્રિય: સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 26.79% વરસાદ, અનેક જિલ્લામાં રેડ એલર્ટ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ; આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

અમદાવાદ: ગુજરાતમાં એકસાથે પાંચ શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 20.44 ટકા વરસાદ નોંધાયો છે. ઝોનવાર વરસાદમાં સૌરાષ્ટ્ર સૌથી આગળ 26.79 ટકા સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 24.98 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 15.20 ટકા, ઉત્તર ગુજરાતમાં 11.99 ટકા અને કચ્છમાં માત્ર 1.92 ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં વ્યાપક વરસાદ છતાં કચ્છના અબડાસા, લખપત, માંડવી, મુન્દ્રા, નખત્રાણા અને રાપર, તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા અને કલ્યાણપુર તાલુકાઓમાં હજુ નોંધપાત્ર વરસાદ થયો નથી. આ વિસ્તારો હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે.

હવામાન વિભાગે આજે ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અમરેલી, તાપી અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં ખરાબ હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે. રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા લોકોને પણ સાવચેત રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail