મુંબઈ, પુણે, રાયગઢ અને પાલઘરમાં જનજીવન પ્રભાવિત, લોનાવાલામાં 670 મીમી વરસાદ નોંધાયો
મુંબઈ: મહારાષ્ટ્રમાં ચોમાસાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમના પ્રભાવથી રાજ્યના મુંબઈ, પુણે, રાયગઢ, પાલઘર સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી 24થી 48 કલાક માટે આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક બિક્રમ સિંહના જણાવ્યા મુજબ, મુંબઈના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ નોંધાયો છે, જ્યારે ઘાટ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ વરસ્યો છે. પુણે, રાયગઢ અને પાલઘર જિલ્લામાં પણ વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે.
લોનાવાલામાં છેલ્લા 24 કલાક દરમિયાન આશરે 670 મીમી વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને વાહનવ્યવહાર ખોરવાયો છે. હવામાન વિભાગે નાસિક માટે પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે, જ્યારે કોકણ વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, માત્ર રવિવારે જ મુંબઈમાં 350થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા, જ્યારે છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યભરમાં 800થી વધુ વૃક્ષો પડી જવાની ઘટનાઓ નોંધાઈ છે. સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
સરકારે ખાનગી સંસ્થાઓને શક્ય હોય ત્યાં સુધી ‘વર્ક ફ્રોમ હોમ’ વ્યવસ્થા અમલમાં મૂકવાની સલાહ આપી છે. સાથે જ બિનઆવશ્યક સરકારી કચેરીઓમાં મર્યાદિત સમય સુધી કામગીરી રાખવા સૂચના આપવામાં આવી છે.
રાજ્ય સરકારે નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અને જરૂર ન હોય ત્યાં સુધી સુરક્ષિત સ્થળોએ જ રહેવા અપીલ કરી છે.









