મહંત નૃત્ય ગોપાલદાસની અધ્યક્ષતામાં બેઠક, કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરિ કરશે કાર્યવાહીનું સંચાલન
અયોધ્યા: રામમંદિરના ચડાવા ચોરી પ્રકરણની ચર્ચા વચ્ચે આજે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે. ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં મહાસચિવ ચંપતરાય અને ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાના રાજીનામા અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, બેઠકની કાર્યવાહીનું સંચાલન પ્રથમ વખત ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરિ કરશે. બેઠકમાં ટ્રસ્ટના તમામ સભ્યો હાજર રહેશે અને બહુમતીના આધારે ચંપતરાય તથા ડૉ. અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારવા કે નહીં તે અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
ટ્રસ્ટમાં મહંત નૃત્ય ગોપાલદાસ અધ્યક્ષ તરીકે કાર્યરત છે, જ્યારે ચંપતરાય મંદિરના વહીવટ અને જાહેર સંચારની જવાબદારી સંભાળી રહ્યા છે. સ્વામી ગોવિંદ દેવ ગિરિ ટ્રસ્ટના નાણાકીય કારોબારની દેખરેખ રાખે છે. ટ્રસ્ટની કામગીરી અને દાન વ્યવસ્થાપન પર રાજ્ય સરકાર અથવા સ્થાનિક પ્રશાસનનો સીધો નિયંત્રણ નથી.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં મહંત નૃત્ય ગોપાલદાસ (અધ્યક્ષ), ચંપતરાય (મહાસચિવ), સ્વામી ગોવિંદ દેવ ગિરિ (કોષાધ્યક્ષ), વરિષ્ઠ વકીલ કે. પરાસરન, મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા, ડૉ. અનિલ મિશ્રા, યુગપુરુષ પરમાનંદ ગિરિ, દિનેન્દ્ર દાસ, સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી, સ્વામી વિશ્વપ્રસન્નતીર્થ, કૃષ્ણ મોહન તથા અયોધ્યાના જિલ્લા કલેક્ટર શશાંક ત્રિપાઠી સહિતના સભ્યોનો સમાવેશ થાય છે.
ચડાવા ચોરી પ્રકરણ બાદ યોજાઈ રહેલી આ બેઠક પર દેશભરના શ્રદ્ધાળુઓ અને ટ્રસ્ટ સાથે સંકળાયેલા વર્તુળોની નજર મંડાઈ છે. બેઠકમાં લેવાતા નિર્ણયો આગામી સમયમાં ટ્રસ્ટના વહીવટી માળખા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.









