માળિયામાં પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન: દેશી તમંચો, કાર્ટીઝ અને ઘાતક હથિયારો જપ્ત, અનેક આરોપીઓ ઝડપાયા

450 પોલીસકર્મીઓએ સમગ્ર વિસ્તારમાં સઘન સર્ચ અભિયાન ચલાવ્યું, પેરોલ જંપ કરનાર અને વોન્ટેડ આરોપીઓ પણ ઝડપાયા

મોરબી: મોરબી જિલ્લાના માળિયા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે પોલીસે મેગા કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. લગભગ 450 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે એકસાથે વિવિધ વિસ્તારોમાં દરોડા અને ચેકિંગ કાર્યવાહી કરતાં અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ કર્યો હતો.

કાર્યવાહી દરમિયાન પોલીસે એક દેશી તમંચો, 23 જીવતા કાર્ટીઝ તેમજ અન્ય ઘાતક હથિયારો જપ્ત કર્યા હતા. સાથે જ પેરોલ જંપ કરનાર અને લાંબા સમયથી ફરાર વોન્ટેડ આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ડુપ્લિકેટ સોનાના બિસ્કિટના કૌભાંડ અને વીજચોરીના કેસોમાં પણ કાર્યવાહી હાથ ધરી હતી. અનેક સ્થળોએ તપાસ કરીને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ટ્રાફિક નિયમોના અમલ માટે હાથ ધરાયેલી ઝુંબેશ દરમિયાન મોટર વાહન અધિનિયમ (MV Act) હેઠળ 36 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા અને નિયમભંગ બદલ દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, જિલ્લામાં ગુનાખોરી પર અંકુશ લાવવા અને અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઉભો કરવા માટે આગામી દિવસોમાં પણ આવા કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન સતત ચાલુ રાખવામાં આવશે.

Leave a Comment

Traffic Tail