છેલ્લા 24 કલાકમાં રાજુલામાં સૌથી વધુ 274 મીમી વરસાદ, રાજ્યનો મોસમી વરસાદ 17.26 ટકા સુધી પહોંચ્યો
ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસું સક્રિય બનતા રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 32 જિલ્લાના 164 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના રાજુલામાં 274 મીમી નોંધાયો હતો, જ્યારે સમગ્ર અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી.
સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો હતો, જ્યારે કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હજુ પણ નોંધપાત્ર વરસાદની રાહ જોવાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર અગાઉની સરખામણીએ થોડું ઘટ્યું હોવા છતાં અનેક તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો હતો.
ડાંગ જિલ્લાના સુબિરમાં 131 મીમી, આહવામાં 116 મીમી અને વધઈમાં 49 મીમી વરસાદ નોંધાયો હતો. નવસારી જિલ્લાના ચીખલીમાં 83 મીમી અને ગણદેવીમાં 67 મીમી વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લાના કપરાડામાં 53 મીમી અને ઉમરગામમાં 69 મીમી વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લાના અંબિકા વિસ્તારમાં 53 મીમી તથા ઓલપાડમાં 45 મીમી વરસાદ નોંધાયો હતો. તાપી જિલ્લાના ડોલવાણમાં 70 મીમી, બારામાં 63 મીમી અને વાલોદમાં 52 મીમી વરસાદ નોંધાયો હતો.
ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં 50 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. મધ્ય ગુજરાતમાં તારાપુરમાં 40 મીમી વરસાદ સિવાય અન્યત્ર નોંધપાત્ર વરસાદ નોંધાયો નહોતો.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 18.12 મીમી વરસાદ નોંધાતા મોસમનો કુલ વરસાદ 156.87 મીમી સુધી પહોંચ્યો છે, જે સીઝનના અંદાજે 17.26 ટકા જેટલો છે.
ચોમાસું સક્રિય હોવા છતાં કચ્છ અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં વરસાદની હજુ પણ ભારે ઘટ છે. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી માત્ર 0.42 ટકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર 0.50 ટકા મોસમી વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે વધુ વરસાદ માટે જાણીતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વખતે વરસાદની અછત યથાવત જોવા મળી રહી છે, જ્યારે જામનગર જિલ્લામાં પણ જામજોધપુર સિવાય મોટાભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો નથી.









