પીએમ મોદી આજે ગુજરાતમાં: સાણંદમાં CG સેમિની ચીપ્સ ઉત્પાદન સુવિધાનું કરશે ઉદ્ઘાટન

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સાણંદમાં CG સેમિની OSAT (Outsourced Semiconductor Assembly and Test) સુવિધાનું ઉદ્ઘાટન કરશે. આ સાથે ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સ્થાપિત થશે અને પ્લાન્ટમાંથી વ્યાવસાયિક ધોરણે ચીપ્સનું ઉત્પાદન શરૂ થશે.

ભારતના સેમિકન્ડક્ટર મિશન હેઠળ રૂ. 7,600 કરોડના રોકાણ સાથે ઉભી કરાયેલી આ સુવિધાને કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી-2024માં મંજૂરી આપી હતી. CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સની સહાયક કંપની CG સેમિ પ્રા. લિ. દ્વારા સ્થાપિત આ પ્લાન્ટમાં તૈયાર થતી ચીપ્સ દેશ-વિદેશના ગ્રાહકોને સપ્લાય કરવામાં આવશે.

આ પ્રોજેક્ટમાં જાપાનની રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ અને થાઈલેન્ડની સ્ટાર માઇક્રોઇલેક્ટ્રોનિક્સ ભાગીદાર છે. પ્લાન્ટ શરૂ થતાં સાણંદ સેમિકન્ડક્ટર ઉત્પાદનના મહત્વના હબ તરીકે વધુ મજબૂત બનશે.

OSAT સુવિધામાં સેમિકન્ડક્ટર ચીપ્સનું એસેમ્બલી, ટેસ્ટિંગ અને પેકેજિંગ કરવામાં આવશે. અહીં QFN, QFP જેવી લિગેસી ચીપ્સ ઉપરાંત FC-BGA અને FC-CSP જેવી આધુનિક ચીપ્સનું ઉત્પાદન થશે, જે ઓટોમોટિવ, ઇલેક્ટ્રોનિક્સ, 5G, ઇન્ડસ્ટ્રિયલ સાધનો અને પાવર એપ્લિકેશન ક્ષેત્રની જરૂરિયાતો પૂરી કરશે.

CG સેમિ દ્વારા બીજા પ્લાન્ટનું કામ પણ ચાલી રહ્યું છે. બંને પ્લાન્ટ કાર્યરત થયા બાદ દરરોજ અંદાજે 1.5 કરોડ સેમિકન્ડક્ટર ચીપ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા વિકસશે.

હાલમાં પ્લાન્ટમાં 300થી વધુ કર્મચારીઓ કાર્યરત છે અને આગામી પાંચ વર્ષમાં 5,000થી વધુ સીધી અને પરોક્ષ રોજગારીની તકો સર્જાવાની શક્યતા છે.

વડાપ્રધાન મોદી પ્લાન્ટમાં વિવિધ સેમિકન્ડક્ટર પ્રક્રિયાઓનું નિરીક્ષણ કર્યા બાદ જનસભાને સંબોધશે. કાર્યક્રમમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે ભારતનું લક્ષ્ય માત્ર સેમિકન્ડક્ટર ફેક્ટરીઓ સ્થાપવાનું નથી, પરંતુ ડિઝાઇન, ઉત્પાદન, મશીનરી, લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સહિતનું સંપૂર્ણ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વિકસાવવાનું છે. આ દિશામાં ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0’ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

Leave a Comment

Traffic Tail