કાશી વિશ્વનાથ મંદિરના પ્રવેશદ્વારે સુરક્ષા જવાનની કાર્બાઇનમાંથી અકસ્માતે ગોળી છૂટી, ત્રણ ઘાયલ

વારાણસી: દેશના અતિ સંવેદનશીલ અને સુરક્ષિત ધાર્મિક સ્થળોમાંના એક કાશી વિશ્વનાથ ધામમાં શનિવારે સવારે અકસ્માતે ગોળી છૂટવાની ઘટના સામે આવી હતી. મંદિરના નાનુ ફેરિયા પ્રવેશદ્વાર પાસે ફરજ પર તૈનાત પ્રાંતીય સશસ્ત્ર દળ (PAC)ના જવાનની કાર્બાઇનમાંથી અચાનક ગોળી છૂટતાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘટનાને પગલે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાથમિક માહિતી અનુસાર, સુરક્ષા ચેકપોસ્ટ પર ફરજ દરમિયાન જવાનના હથિયારમાંથી અકસ્માતે ફાયરિંગ થયું હતું. ગોળીનો અવાજ સંભળાતાં દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓમાં ભય ફેલાયો હતો અને ક્ષણિક ગભરાટ સર્જાયો હતો.

ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા ત્રણેય લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા મુજબ તમામની સ્થિતિ સ્થિર છે અને કોઈના જીવને ગંભીર જોખમ નથી.

ઘટનાની જાણ થતાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવી ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં ફાયરિંગ અકસ્માતે થયું હોવાનું સામે આવ્યું છે. જોકે, ગોળી કેવી રીતે છૂટી તે અંગે હથિયારની તકનીકી તપાસ સહિત સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે.

મંદિર પ્રશાસન અને પોલીસ તંત્રએ જણાવ્યું હતું કે, ઘટનાની અસર દર્શન વ્યવસ્થા પર લાંબા સમય સુધી પડી નહોતી. થોડા સમય બાદ સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય બનાવી દેવામાં આવી હતી. ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા પણ કરવામાં આવશે.

Leave a Comment

Traffic Tail