પ્રથમ વરસાદે જ પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી: દેવકી ગાલોલ ખાતે ડ્રાઇવર્ઝન ધોવાયું, જેતપુર-બગસરા માર્ગ બંધ

ગાલોરીયા નદી પરનું કામચલાઉ ડ્રાઇવર્ઝન વરસાદી પ્રવાહમાં તણાયું; દોઢ વર્ષથી પુલનું કામ અધૂરું હોવાના મુદ્દે ગ્રામજનોમાં રોષ

જેતપુર: રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં ચોમાસાની પ્રથમ જ વરસાદી ઝાપટાએ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. દેવકી ગાલોલ ગામ પાસે ગાલોરીયા નદી પર બનાવવામાં આવેલું કામચલાઉ ડ્રાઇવર્ઝન ભારે વરસાદના પાણીમાં ધોવાઈ જતાં જેતપુર-બગસરા માર્ગ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. પરિણામે રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

જેતપુર સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. લાંબા સમયથી ચાલી રહેલા ઉકળાટ બાદ પડેલા વરસાદથી ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે દેવકી ગાલોલ અને આસપાસના વિસ્તારમાં અંદાજે ત્રણ ઇંચ વરસાદ પડતાં ગાલોરીયા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો અને કામચલાઉ ડ્રાઇવર્ઝન તૂટી ગયું.

સ્થાનિકોના જણાવ્યા મુજબ ગાલોરીયા નદી પર નવા પુલનું નિર્માણ કાર્ય છેલ્લા દોઢ વર્ષથી અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે. ગત ચોમાસામાં પણ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ વર્ષે પણ પુલનું કામ પૂર્ણ ન થતાં વાહનવ્યવહાર માટે કામચલાઉ ડ્રાઇવર્ઝન બનાવવામાં આવ્યું હતું, પરંતુ પ્રથમ જ વરસાદમાં તે ધોવાઈ જતાં તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

ગ્રામજનોનું કહેવું છે કે માત્ર ત્રણ ઇંચ વરસાદમાં જ જો આવી સ્થિતિ સર્જાઈ હોય તો આગામી દિવસોમાં ભારે વરસાદ દરમિયાન પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. હાલમાં અનેક વાહનચાલકો કલાકો સુધી રસ્તા પર અટવાઈ ગયા હતા.

સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતાં માંગ કરી છે કે ગાલોરીયા નદી પરના પુલનું નિર્માણ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે અને દર ચોમાસે સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી લોકોને વારંવાર હાલાકીનો સામનો ન કરવો પડે.

Leave a Comment

Traffic Tail