રાજકોટમાં ભયજનક રસ્તા સામે કોર્પોરેશનની બેદરકારી! ચાર દિવસથી માત્ર ચેતવણીનું બોર્ડ, સમારકામનો પત્તો નહીં

રાજકોટ: શહેરના વોર્ડ નં. 9માં વોર્ડ ઓફિસની બરાબર સામે આવેલા ચાર રસ્તા પર રોડની જોખમી સ્થિતિને લઈને કોર્પોરેશનની બેદરકારી સામે આવી છે. રસ્તો જોખમી હોવાનું દર્શાવવા માટે માત્ર **”ભયજનક”**નું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા ચાર દિવસથી સમારકામની કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી.

જોખમી રસ્તાને કારણે રોજિંદા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે કોર્પોરેશને માત્ર ચેતવણીનું બોર્ડ લગાવી પોતાની જવાબદારી પૂરી કરી દીધી હોય તેમ લાગી રહ્યું છે, જ્યારે સ્થળ પર તાત્કાલિક સમારકામ થવું જરૂરી છે.

વાહનચાલકોમાં અકસ્માતનો સતત ભય જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના આક્ષેપ છે કે કોર્પોરેશન કોઈ ગંભીર અકસ્માત કે જાનહાનિની રાહ જોઈ રહ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. સમયસર કામગીરી નહીં કરવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિકોએ તાત્કાલિક રસ્તાનું સમારકામ શરૂ કરી વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ ઉઠાવી છે. હાલ સૌની નજર કોર્પોરેશનની આગામી કાર્યવાહી પર ટકેલી છે.

Leave a Comment

Traffic Tail