રાજકોટ શહેરમાં ઉનાળાના લાંબા વેકેશન બાદ આજે ફરી એકવાર શાળાઓમાં ચહલપહલ જોવા મળી હતી. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર શાળાએ પહોંચ્યા હતા. લાંબા સમય બાદ મિત્રો અને શિક્ષકોને મળવાની ખુશી બાળકોના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી હતી.
શાળાઓમાં વિદ્યાર્થીઓના સ્વાગત માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. અનેક શાળાઓમાં શિક્ષકો દ્વારા કંકુ-ચોખાથી વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી નવા શૈક્ષણિક વર્ષ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ઉનાળાના વેકેશન દરમિયાન પરિવાર સાથે સમય વિતાવ્યા બાદ બાળકો ફરી અભ્યાસની દુનિયામાં પરત ફર્યા છે. નવા ધોરણ, નવા પુસ્તકો અને નવા સંકલ્પો સાથે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક સફરની શરૂઆત કરી હતી.
નવા સત્રના પ્રારંભ સાથે રાજકોટની શાળા પરિસરોમાં ફરી એકવાર રોનક અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંનેમાં નવા શૈક્ષણિક વર્ષને લઈને ખાસ ઉત્સુકતા જોવા મળી રહી છે.









