રાજકોટ-ભાવનગર હાઈવે પર આવેલા હલેન્ડા ગામ નજીક સ્પેશિયલ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરી ટ્રકમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે દારૂ અને અન્ય સામાન સહિત કુલ રૂ. 97.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, SMCની ટીમને બાતમી મળતા રાજકોટ-ભાવનગર હાઈવે પર હલેન્ડા ગામ નજીક શંકાસ્પદ ટ્રકની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી રૂ. 63.14 લાખ કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ટ્રકમાં દારૂના જથ્થા સાથે ડિટર્જન્ટ પાવડરનો જથ્થો પણ રાખવામાં આવ્યો હતો.
પોલીસે ટ્રક, વિદેશી દારૂ અને ડિટર્જન્ટ પાવડર સહિત કુલ રૂ. 97.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે, દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી કોઈ આરોપી મળી આવ્યો ન હતો.
આ બનાવ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ટ્રક ડ્રાઈવર, ટ્રક માલિક, દારૂ મોકલનાર અને દારૂ મંગાવનાર સહિત ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓની ઓળખ મેળવવા અને તેમની ધરપકડ માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
દારૂના જથ્થાની હેરફેર પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.









