અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક બન્યા ગુજરાતના નવા નિયમિત DGP

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નવા નિયમિત પોલીસ મહાનિર્દેશક (DGP) તરીકે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિકની નિમણૂક કરવામાં આવી છે. સરકારે ઇન્ચાર્જ DGP ડો. કે.એલ.એન. રાવને સુપરસીડ કરીને 1993 બેચના વરિષ્ઠ IPS અધિકારી જ્ઞાનેન્દ્ર સિંઘ મલિકને રાજ્યના પોલીસ વડાની જવાબદારી સોંપી છે.

સરકારી આદેશ અનુસાર, જી.એસ. મલિકની તાકીદની અસરથી રૂપિયા 2,25,000ના ફિક્સ પે મેટ્રિક્સ એપેક્સ સ્કેલ લેવલ-17ની ખાલી કેડર પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી છે. તેમની નિમણૂક સાથે જ ગુજરાત પોલીસના સર્વોચ્ચ પદ પર હવે નિયમિત DGP તરીકે તેઓ કાર્યભાર સંભાળશે.

જી.એસ. મલિક હાલમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ વિવિધ મહત્વપૂર્ણ પોલીસ કામગીરીમાં નોંધપાત્ર યોગદાન રહ્યું છે. હવે રાજ્યની સમગ્ર પોલીસ વ્યવસ્થાની કમાન તેમના હાથમાં સોંપવામાં આવી છે.

નવી નિમણૂક બાદ અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર કોણ બનશે તે અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં અમદાવાદ પોલીસ કમિશનરના નવા નામની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

ગુજરાત પોલીસના વડા તરીકે જી.એસ. મલિકની નિમણૂકને રાજ્યના પોલીસ તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર તરીકે જોવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail