“ધરમ કરતાં ધાડ પડી” કહેવતને સાકાર કરતો બનાવ રાજકોટના કોઠારિયા વિસ્તારમાં સામે આવ્યો છે. એકલી મહિલા હોવાનું જોઈ માનવતા દાખવી રિક્ષામાં બેસાડનાર રિક્ષાચાલકને જ મહિલાએ મોબાઈલ ફોનની ચોરી કરી ચકમો આપ્યો હતો. જોકે, આજીડેમ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી મહિલાને ઝડપી પાડી ચોરાયેલો મોબાઈલ કબજે કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, કોઠારિયા રોડ પર જયનગર ધાર હાઉસિંગ બોર્ડ સામે રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા જગદીશપરી ધીરજપરી ગોસ્વામીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ અનુસાર, ગત સાંજે તેઓ પોતાની પત્ની અને પુત્ર સાથે રેસકોર્સ ગાર્ડનમાં ફરવા ગયા હતા. પરિવાર સાથે ગાર્ડનમાં સમય પસાર કરી નાસ્તો કર્યા બાદ તેઓ રાત્રે ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રાત્રે આશરે પોણા દસ વાગ્યે કોઠારિયા ગામના પાણીના ટાંકા પાસે એક અજાણી મહિલાએ હાથ બતાવી રિક્ષા ઉભી રાખી હતી.
એકલી મહિલા હોવાથી માનવતાના નાતે જગદીશપરીએ તેને રિક્ષામાં પાછળ બેસાડી હતી અને મહાદેવ કાસ્ટિંગ નામના કારખાના પાસે ઉતારી હતી. ત્યારબાદ તેઓ પરિવાર સાથે ઘરે પહોંચ્યા હતા.
ઘરે પહોંચ્યા બાદ તેમની પત્નીએ મોબાઈલ ફોન શોધતા તે મળી આવ્યો નહોતો. તપાસ કરતાં જાણવા મળ્યું કે કોઠારિયા ગામ સુધી મોબાઈલ તેમની પાસે હતો, પરંતુ અજાણી મહિલાને રિક્ષામાં બેસાડ્યા બાદ મોબાઈલ ગાયબ થઈ ગયો હતો. મોબાઈલ પર ફોન કરતાં પણ તે બંધ આવતો હતો. જેથી અજાણી મહિલાએ પત્નીની નજર ચૂકવી અંદાજે રૂ. 8 હજાર કિંમતનો મોબાઈલ ફોન ચોરી લીધો હોવાની શંકા વ્યક્ત કરી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ફરિયાદ મળતા જ આજીડેમ પોલીસ મથકના પીઆઈ હરેશ પટેલ અને તેમની ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપી મહિલા ગુડિયાબેન હર્ષદ પ્રસાદ (ઉ.વ. 22), રહે. રાધિકા ભગતસિંહ રેસીડેન્સી-2, કોઠારિયા સોલવન્ટ વિસ્તારને ઝડપી પાડી હતી.
પોલીસે આરોપી પાસેથી ચોરાયેલો મોબાઈલ ફોન પણ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.









