કાળીપાટ ચોકડી પાસેથી રૂ. 1.40 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ, બુટલેગરની ધરપકડ

રાજકોટ-ભાવનગર હાઇવે પર કાળીપાટ ચોકડી નજીક પીસીબી (પ્રોહિબિશન એન્ડ ક્રાઇમ બ્રાન્ચ)ની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી રૂ. 1.40 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી કાર અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 6.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, પીસીબી પીઆઈ એમ.આર. ગોંડલીયાની રાહબરી હેઠળની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બોરીચા, ઉમેશભાઈ ચાવડા અને પોલીસ કોન્સ્ટેબલ વિશાલભાઈ દવેને બાતમી મળી હતી કે એક સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો રાજકોટ તરફ લાવવામાં આવી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસે 150 ફૂટ રિંગ રોડ પર કાળીપાટ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન જીજે-03-પીજી-3729 નંબરની સફેદ રંગની મારુતિ સ્વિફ્ટ કારને અટકાવી તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.

તલાશી દરમિયાન કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 528 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. 1,40,112 હોવાનું સામે આવ્યું હતું. પોલીસે દારૂના જથ્થા સાથે કારચાલક ધવલ વિજય સોલંકી (ઉ.વ. 28), રહે. ન્યુ ભોજલરામ સોસાયટી, કોઠારિયા રોડ, રાજકોટની ધરપકડ કરી હતી.

પોલીસે દારૂનો જથ્થો, સ્વિફ્ટ કાર તથા એક મોબાઇલ ફોન મળી કુલ રૂ. 6,45,112નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી ધવલ સોલંકી જસદણ તરફથી દારૂનો જથ્થો લઈને આવ્યો હતો અને રાજકોટ શહેરમાં તેનું છૂટક વેચાણ કરવાનો ઈરાદો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં કબૂલ્યું હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

Leave a Comment

Traffic Tail