દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ભારતના દરવાજે પહોંચી ગયું
દેશભરમાં ભીષણ ગરમી અને ઉકળાટ વચ્ચે જેની રાહ જોવાઈ રહી છે તે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આખરે ભારતના દરવાજે પહોંચી ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ ચોમાસાએ કેરળમાં સત્તાવાર પ્રવેશ કરી દીધો છે અને હવે ધીમે ધીમે દેશના અન્ય વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. જોકે આ વર્ષે ચોમાસાનું આગમન સામાન્ય સમય કરતાં લગભગ ત્રણ દિવસ મોડું નોંધાયું છે.
આજે ગુજરાતમાં ક્યાં પડી શકે વરસાદ?
હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડી શકે છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાંમાં વરસાદ પડી શકે છે. આ સાથે અનેક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં સાથે વીજળી પડવાની અને પવન ફૂંકાવાની શક્યતા છે.
ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે?
હવામાન નિષ્ણાતોના અંદાજ મુજબ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી 20 જૂનની આસપાસ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી પહેલા ચોમાસાનું આગમન થવાની સંભાવના છે, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાત સુધી પહોંચતા થોડો વધુ સમય લાગી શકે છે. જો હવામાન પરિસ્થિતિ અનુકૂળ રહેશે તો જૂનના અંતિમ સપ્તાહ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું સક્રિય થઈ શકે છે.









