ઉપલેટામાં ગેરકાયદેસર દબાણ સામે કાર્યવાહી, ભવાનીનગર વિસ્તારમાં દબાણ દૂર કરાયું

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે. ઉપલેટા નગરપાલિકા દ્વારા તા. 3 જૂન, 2026ના રોજ ભવાનીનગર વિસ્તારમાં વોકળાના કાંઠે આવેલા એક ગેરકાયદેસર દબાણને દૂર કરવામાં આવ્યું હતું.

નગરપાલિકાના જણાવ્યા અનુસાર, સંબંધિત દબાણકર્તાને અગાઉ ત્રણ વખત નોટિસ પાઠવી સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં દબાણ દૂર કરવામાં ન આવતા નગરપાલિકાએ વિવિધ સરકારી કચેરીઓ સાથે સંકલન સાધી કાર્યવાહી હાથ ધરી હતી અને ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ કરી હતી.

ઉપરાંત, ઉપલેટા શહેરમાં નગરપાલિકાના ધ્યાને આવેલા અન્ય ગેરકાયદેસર દબાણોને લઈને પણ સંબંધિત વ્યક્તિઓને નોટિસો આપવામાં આવી હોવાનું જણાવાયું છે.

નગરપાલિકાએ ચેતવણી આપી છે કે નોટિસ આપ્યા બાદ પણ જો દબાણો સ્વેચ્છાએ દૂર કરવામાં નહીં આવે તો નિયમાનુસાર કડક કાર્યવાહી કરીને તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે.

Leave a Comment

Traffic Tail