સૌરાષ્ટ્ર પર મેઘમહેર: વડીયામાં 7 ઇંચ, ગોંડલમાં 4 ઇંચ વરસાદથી નદી-ચેકડેમ છલકાયા

રાજકોટ: દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ જોરદાર જમાવટ કરી છે. છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ અમરેલી જિલ્લાના વડીયામાં 7 ઇંચ, ગોંડલમાં 4 ઇંચ અને રાજકોટ શહેરમાં સવા બે ઇંચ વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને નદી-નાળા જીવંત બન્યા.

વડીયા, બગસરા અને અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી સુરવો નદીમાં નવા નીર આવ્યા, અનેક ચેકડેમ ઓવરફ્લો થયા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતાં જનજીવન પ્રભાવિત બન્યું. નાના ભંડારીયા સહિત અનેક ગામોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહારને અસર પહોંચી હતી.

જામનગર જિલ્લામાં કાલાવડમાં પોણા ચાર ઇંચ, ધ્રોલમાં ત્રણ ઇંચ તેમજ જામનગર શહેર અને જોડિયામાં બે-બે ઇંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ, ભાવનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હળવાથી ભારે વરસાદ વરસતાં ખેતી માટે અનુકૂળ માહોલ સર્જાયો છે.

હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે, જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Leave a Comment

Traffic Tail