રાજકોટ: ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરીને મોટો નફો મેળવવાની લાલચમાં રાજકોટના 63 વર્ષીય સોફ્ટવેર ઈજનેર સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવેલા શખ્સોએ ‘વેલ્યુ ટ્રેડ’ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં નફો દેખાડ્યો હતો. બાદમાં અલગ-અલગ બેંક ખાતામાં કુલ ₹12 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા.
તિરૂપતીનગરમાં રહેતા નવીનચંદ્ર રતનસી ચાવડા સોફ્ટવેર ડેવલપમેન્ટનું કામ કરે છે અને જી.ટી. શેઠ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સાધનોના વિભાગની જવાબદારી પણ સંભાળે છે. 3 ઓગસ્ટે ઈન્સ્ટાગ્રામ પર એક અજાણ્યું પેજ ખોલ્યા બાદ બીજા દિવસે 7066657182 નંબર પરથી શિવમ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. શિવમે લિંક મોકલી ફરિયાદી પાસે ‘વેલ્યુ ટ્રેડ’ એપ ડાઉનલોડ કરાવી હતી.
શરૂઆતમાં નાની રકમ, પછી લાખોનું રોકાણ
આરોપીઓએ વોટ્સએપ મારફતે ફરિયાદી પાસેથી નામ, ઈ-મેલ, બેંક ખાતા સહિતની વિગતો મેળવી હતી. શરૂઆતમાં ₹1,000 અને ત્યારબાદ ₹49,000 ટ્રાન્સફર કરાવ્યા હતા. એપમાં આ રોકાણ સામે નફો દેખાડવામાં આવતાં ફરિયાદીને વધુ રોકાણ કરવા માટે શિવમ અને પ્રતીક નામના શખ્સોએ લાલચ આપી હતી.
27 ઓગસ્ટે વધુ ₹6 લાખનું રોકાણ કરવાનું કહેવામાં આવ્યું હતું. ફરિયાદીએ વધુ પૈસા ન હોવાનું જણાવતાં ₹1.50 લાખ જમા કરાવવાથી 2,500 ડોલરનું બોનસ આપવાની વાત કરવામાં આવી હતી. એપમાં રોજ નફો વધતો દેખાડવામાં આવતો હોવાથી ફરિયાદી આરોપીઓની વાતમાં આવી ગયા હતા.
નફો ઉપાડવા જતાં વધુ પૈસાની માગણી
એપમાં આશરે 35 હજાર ડોલરનો નફો દેખાડ્યા બાદ ફરિયાદીએ રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પૈસા બેંક ખાતામાં જમા થયા નહોતા. ત્યારબાદ આરોપીઓએ વિડ્રો પેમેન્ટ મેળવવા માટે કંપનીના શેરના 10 ટકા મુજબ આશરે ₹3.50 લાખ જમા કરાવવાનું કહ્યું હતું. બાદમાં ₹2 લાખ આપવાની પણ માગણી કરી હતી.
ફરિયાદી મુજબ 12 ઓગસ્ટથી 27 ઓગસ્ટ 2026 દરમિયાન કુલ 7 ટ્રાન્ઝેક્શન મારફતે ₹12 લાખ અલગ-અલગ બેંક ખાતામાં મોકલ્યા હતા. ત્યારબાદ રકમ પરત ન મળતાં તેમણે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
સાયબર ક્રાઈમ પોલીસે શિવમ, પ્રતીક સહિતના શખ્સો અને સંબંધિત બેંક ખાતાધારકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીઓને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.









