અકસ્માતમાં 20 મુસાફરો ઈજાગ્રસ્ત, બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા કલાકો સુધી રેસ્ક્યૂ
હૈદરાબાદ: તેલંગાણાના સૂર્યાપેટ જિલ્લામાં બુધવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કોડાડ મંડલના દ્વારકુંટા નજીક હૈદરાબાદથી વિજયવાડા તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ લોખંડના સળિયા ભરેલા કન્ટેનરમાં પાછળથી ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કન્ટેનરમાં ભરેલા લોખંડના સળિયા બસના આગળના ભાગને ચીરીને મુસાફરો સુધી પહોંચી ગયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ બસમાં 42 મુસાફરો સવાર હતા. અકસ્માતમાં 6 લોકોનાં મોત થયા છે, જ્યારે 20 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ જતાં અનેક મુસાફરો અંદર ફસાઈ ગયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસ, સ્થાનિક લોકો અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે લાંબું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બચાવકર્મીઓએ ભારે જહેમત બાદ ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મુસાફરોને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
અકસમાતને કારણે હૈદરાબાદ-વિજયવાડા નેશનલ હાઇવે પર વાહનવ્યવહાર ખોરવાયો હતો અને બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર બસ કન્ટેનરની પાછળથી અથડાયા બાદ લોખંડના સળિયા બસમાં ઘૂસી જતાં અકસ્માતની ગંભીરતા વધી હતી. જોકે બસ કયા કારણોસર કન્ટેનર સાથે અથડાઈ તેની ચોક્કસ માહિતી હજુ સામે આવી નથી. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. અકસ્માત અંગે પોલીસે વાહનચાલકોની પૂછપરછ સહિતની કાર્યવાહી શરૂ કરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.









