રાજકોટ શહેર ભાજપના મહામંત્રી દ્વારા સગા સંબંધીઓને સંગઠનમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી હોવાના આક્ષેપો સામે જૂના અને યુવા કાર્યકરોમાં નારાજગી ફેલાઈ છે. યુવા મોરચામાં ઉંમરની ક્રાઇટેરિયા મુજબ પ્રભારીઓની નિમણૂકને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, વોર્ડ નંબર-1માં યુવા મોરચાના પ્રભારી તરીકે શહેર ભાજપના મહામંત્રીના નજીકના સગાની નિમણૂક કરવામાં આવતા યુવા કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી પક્ષ માટે કામગીરી કરતા કાર્યકરોને અવગણીને નજીકના વ્યક્તિને જવાબદારી આપવામાં આવી હોવાની ચર્ચાએ ભાજપના આંતરિક વર્તુળોમાં પણ નારાજગીનો માહોલ ઊભો કર્યો છે.
યુવા કાર્યકરોમાં એવી ચર્ચા છે કે સંગઠનમાં જવાબદારી આપતી વખતે કામગીરી, અનુભવ અને નિર્ધારિત ઉંમરની ક્રાઇટેરિયાને પ્રાધાન્ય મળવું જોઈએ. સગાવાદના આક્ષેપોને કારણે આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.









